બોફોર્સ કેસમાં કૉંગ્રેસ તેનું વલણ સ્પષ્ટ કરે : સ્મૃતિ ઈરાની

લાંચની અૉફર થઈ હોવાનો હર્શમૅનનો ખુલાસો 
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 18 : બોફોર્સ કેસમાં ખાનગી ડિટેક્ટિવ માઈકલ હર્શમૅને તાજેતરમાં કરેલા ખુલાસા અંગે કૉંગ્રેસને તેનું વલણ સ્પષ્ટ કરવાનું કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું.
પત્રકારો સમક્ષ બોલતાં ઈરાનીએ જણાવ્યું હતું કે, બોફોર્સ કેસ સંબંધમાં સત્ય શું છે તે દેશ જાણવા માગે છે અને કૉંગ્રેસ આ બાબતમાં ચૂપ રહી શકે નહિ.
હર્શમૅને એક ટીવી ચૅનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, શત્રોના સોદા માટે તેમને પાકિસ્તાની લિન્ક દ્વારા લાંચની અૉફર કરવામાં આવી હતી. તપાસમાં આગળ નહીં વધવાની ધમકી પણ આપવામાં આવી હતી.
ઈરાનીએ જણાવ્યું હતું કે, બોફોર્સની કટકી સંબંધમાં પાકિસ્તાની કનેકશનનો હર્શમૅનના ઈન્ટરવ્યૂમાં પર્દાફાશ થયો છે. કૉંગ્રેસે દેશને જણાવવું જોઈએ કે, ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને મળેલો એ પાકિસ્તાની એજન્ટ કોણ હતો ?
અગાઉ સીબીઆઈએ જણાવ્યું હતું કે, બોફોર્સ પર હર્શમૅનના ઈન્ટરવ્યૂમાં જે હકીકતો અને સંજોગોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેની તપાસ કરવામાં આવશે.
સીબીઆઈના પ્રવક્તા અભિષેક દયાલે જણાવ્યું હતું કે, હર્શમૅનના ટીવી ચૅનલને અપાયેલા ઈન્ટરવ્યૂ સંબંધની બાબતની અમને જાણ થઈ છે, ફેરફેક્સ ગ્રુપના પ્રમુખ અને સીઈઓ હર્શમૅને બોફોર્સ કેસમાં  લાંચની વાત કરી છે. તેણે એમ પણ કહ્યું છે કે તપાસ અટકાવવા તેને લાંચની અૉફર કરવામાં આવી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer