ભારતમાં મોટા આતંકવાદી હુમલાનું કાવતરું

ગુપ્તચર બાતમી મુજબ જૈશના 10 આતંકવાદી ઘુસ્યા છે : તમામ સુરક્ષાદળોને એલર્ટ
નવી દિલ્હી, તા. 18 : સપરમા દિવસો ચાલી રહ્યા છે, તેવા ટાંકણે સમગ્ર ભારત દેશની દિવાળીની ઉજવણીના રંગમાં ભંગ પાડવાના નાપાક ઇરાદા સાથે ભારત પર મોટા આતંકવાદી હુમલાનો કારસો ઘડાઈ રહ્યો હોવાના ચિંતાજનક સમાચાર મળ્યા છે.
આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહંમદના આતંકીઓ ભારતમાં મોટો હુમલો કરવાની ફિરાકમાં છે અને નગરોટા, જમ્મુ, પઠાણકોટ વિસ્તાર પર નિશાન સાધી શકે છે. તેવી બાતમી ગુપ્તચર સૂત્રોએ આપી હતી.
ગુપ્તચર વિભાગ તરફથી મળતી માહિતી મુજબ, જૈશ-એ-મોહંમદના 10 આતંકવાદી પાકિસ્તાનના રસ્તેથી ભારતમાં ઘૂસી આવ્યા છે.
આ બાતમી બાદ આતંકી હુમલાના જોખમને ગંભીરતાથી ધ્યાને લેતાં સુરક્ષાદળોને એલર્ટ કરી દેવાયા હતા.
એક અખબારના અહેવાલ અનુસાર, 16 કોર્પ્સને આતંકવાદીઓની સંદિગ્ધ હિલચાલ અંગે જાણકારી મળી હતી.
ગુપ્તચર વિભાગના જણાવ્યાનુસાર, જૈશ-એ-મોહંમદના આતંકવાદીઓએ લગભગ એક મહિના પહેલાં જ ઘૂસણખોરી કરી છે, જેમાંથી કેટલાક આતંકી પુલવામા, તો કેટલાક શ્રીનગર તરફ ગયા હતા.
દરમ્યાન એક એજન્સીના જણાવ્યા મુજબ જૈશના 10 ઘૂસણખોર આતંકીઓમાંથી કેટલાક આતંકી તાજેતરમાં સુરક્ષાદળો સાથેના ઘર્ષણ દરમ્યાન માર્યા ગયા હતા.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer