ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કૉંગ્રેસ અને જદ (યુ) વચ્ચે સમજૂતી માટે તખતો ગોઠવાય છે

અન્ય એક્ટિવિસ્ટો સાથે ભાજપ વિરોધી મોરચો ઊભો કરવાની તૈયારી
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 18 : ગુજરાતમાં આગામી બે માસમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ પક્ષે જનતા દળ (યુ) સાથે બેઠકોની વહેંચણી અંગે સમજૂતી કરવાની વાતચિત શરૂ કરી છે. આ ઉપરાંત ગુજરાતમાં ભાજપ વિરોધી મોરચો ઊભો કરવાની શક્યતા તપાસવા કૉંગ્રેસ પક્ષે પાટીદારોના નેતા હાર્દિક પટેલ, ઓ.બી.સી. નેતા અલ્પેશ ઠાકોર અને દલિત નેતા જિગ્નેશ મેવાણી સાથે ચર્ચા કરવામાં આવી રહી છે.
કૉંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરીએ ગુજરાતમાં ચૂંટણી જોડાણ થઈ શકે એવા રાજકીય પક્ષો સાથે સમજૂતીની ચર્ચા શરૂ કરી છે. કૉંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલે ગુજરાતમાં જનતા દળ (યુ)નો ચહેરો છોટુભાઈ વસાવા સાથે ચર્ચા કરી હતી. ગુજરાત વિધાનસભામાં પાંચ વખત ચૂંટાયેલા વસાવાએ ભાજપની આગેવાની હેઠળના એન.ડી.એ.માં સામેલ થયેલા નીતિશકુમાર સાથે છેડો ફાડયો હતો. બાદમાં શરદ યાદવ જૂથના જનતા દળ (યુ)ના તેમને કાર્યવાહક પ્રમુખ બનાવવામાં આવ્યા છે. વસાવા હવે વિધાનસભાની બેઠકોની વહેંચણી અંગે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના આગેવાનો અને પ્રભારી અશોક ગેહલોત સાથે ચર્ચા કરશે.
કૉંગ્રેસના નેતાઓ કહે છે કે ત્રણ એક્ટિવિસ્ટ હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર સાથે ચૂંટણી સમજૂતી કરવાની શક્યતા તપાસવામાં આવી રહી છે. આ ત્રણેય એક્ટિવિસ્ટ તેઓનો લોકોમાં વગ અને વર્ચસને આધારે વાસ્તવવાદી અભિગમ અપનાવી બેઠકોની માગણી કરે તો ચૂંટણી સમજૂતીની વાત આગળ વધી શકે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત સોમવારે ગુજરાતની મુલાકાત લીધી હતી. હવે દિવાળી પછી કૉંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે જશે.
કૉંગ્રેસના ગુજરાત એકમના ઉપપ્રમુખ સત્યજિત ગાયકવાડે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી જે ગુજરાતના પ્રવાસ દરમિયાન માત્ર કૉંગ્રેસની જ ટીકા કરે છે. તે બતાવે છે કે કેન્દ્ર અને ગુજરાતમાંની ભાજપની સરકારો વિકાસની દિશામાં કામ કરવામાં નિષ્ફળ નીવડી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer