લાથમ અને ટેલરની ભાગીદારીના લીધે ન્યૂ ઝીલૅન્ડનો પ્રથમ વન-ડેમાં ભવ્ય વિજય


 
મુંબઇ, તા.22: ટોમ લાથમની લડાયક અણનમ સદી (103) અને રોશ ટેલરના શાનદાર 95  રનની મદદથી પ્રવાસી ન્યુઝીલેન્ડની ટીમે પ્રથમ વનડેમાં ભારત સામે 6 વિકેટે આક્રમક વિજય હાંસલ કર્યો હતો. 
લાથમ-ટેલર વચ્ચે ચોથી વિકેટમાં 200 રનની વિજયી ભાગીદારી થઇ હતી. ન્યુઝીલેન્ડે પ્રથમ વનડે જીતી ત્રણ વનડેની શ્રેણીમાં 1-0ની સરસાઇ મેળવી હતી. ભારતનો 8 વિકેટે 280 રનનો સ્કોર કિવિઝે 49 ઓવરમાં 4 વિકેટે પાર કર્યો હતો. આથી ભારતીય સુકાની વિરાટ કોહલીની 31મી રેકોર્ડ સદી બેકાર ગઇ હતી.
281 રનના વિજય લક્ષ્યાંક સામે કિવિઝે એક તબક્કે 80 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ  પછી ટેલર-લાથમની જોડીએ ભારતીય બોલરો પર વર્ચસ્વ જમાવીને 200 રનની ભાગીદારી કરી હતી. જીત માટે માત્ર 1 રનની જ જરૂર હતી. ત્યારે આ  જોડી તૂટી હતી. ટેલર 100 દડામાં 8 ચોક્કાથી 95 રને આઉટ થયો હતો. જ્યારે લાથમ 102 દડામાં 8 ચોક્કા -2 છક્કાથી 103 રને  અણનમ રહ્યો હતો. આ પહેલા ગુપ્ટિલ 32, કુનરો 28 અને સુકાની વિલિયમ્સન 6 રને આઉટ થયા હતા.
આ પહેલા ટોસ જીતીને પહેલો દાવ લેનાર ભારતીય ટીમે તેના સુકાની વિરાટ કોહલીની રેકોર્ડ 31મી સદીથી 50 ઓવરના અંતે 8 વિકેટે 280 રનનો પડકારરૂપ  સ્કોર નોંધાવ્યો હતો. વન ડે ક્રિકેટના નંબર વન બેટ્સમેન વિરાટ કોહલીએ આજે તેની કારકિર્દીના 200મો વન ડે મેચને યાદગાર બનાવીને તેની 31મી સદી ફટકારી હતી. આથી તે સદીના મામલે ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાની રીકિ પોન્ટિંગથી આગળ થયો હતો. કોહલીથી આગળ હવે માત્ર સચિન તેંડુલકર (49) છે. કોહલીએ આજે ન્યુઝીલેન્ડ સામેના પહેલા ડે-નાઇટ વન ડે મેચમાં 125 દડામાં 9 ચોક્કા અને 2 છક્કાથી લાજવાબ 121 રન બનાવ્યા હતા. બીજી તરફ ડાબોડી કિવિ ફાસ્ટ બોલર ટ્રેંટ બોલ્ટે કાતિલ બોલિંગ કરીને 10 ઓવરમાં 35 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
આજના મેચમાં ભારતની શરૂઆત નબળી રહી હતી. બોલ્ટે બન્ને ભારતીય ઓપનર શિખર ધવન (9) અને રોહિત શર્મા (20)ને શિકાર બનાવીને ન્યુઝીલેન્ડને સારી શરૂઆત આપી હતી. 29 રનમાં 2 વિકેટ પડી ગયા બાદ કેદાર જાધવ (12) પણ સસ્તામાં પાછો ફર્યોં હતો. 71 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધા બાદ વાપસી કરનાર દિનેશ કાર્તિકે સુકાની કોહલીને સાથ આપીને ચોથી વિકેટમાં 73 રનની ભાગીદારી કરી હતી.
 જો કે કાર્તિક 37 રને આઉટ થયો હતો. આ પછી ધોનીએ 25 રનની ઇનિંગ રમી હતી. તેના અને કોહલી વચ્ચે પાંચમી વિકેટમાં 6પ રનની ભાગીદારી થઇ હતી. હાર્દિક 16 રને આઉટ થયો હતો. આખરી તબક્કે ભુવનેશ્વરે સુકાનીના સાથમાં 15 દડામાં 2 છક્કા અને 2 ચોક્કાથી 26 રન કર્યાં હતા. 
કોહલી (121) અને ભુવનેશ્વર આખરી ઓવરમાં આઉટ થયા હતા. કિવિઝ તરફથી બોલ્ટે 4 અને સાઉધીએ 3 વિકેટ લીધી હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer