80 લાખમાંથી માત્ર 39.4 લાખ કરદાતાઓએ જીએસટીનાં ત્રૈમાસિક રિટર્ન ભર્યાં

80 લાખમાંથી માત્ર 39.4 લાખ કરદાતાઓએ જીએસટીનાં ત્રૈમાસિક રિટર્ન ભર્યાં
 
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : દેશમાં ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સના પ્રારંભ થવાને ત્રણ માસ જેટલો સમય વીતી ગયો છે. આમ છતાં તેની જોગવાઈઓના અમલનું પ્રમાણ હજી ઘણું ઓછું છે. ગત 20મી અૉક્ટોબરે પ્રથમ ત્રણ માસના સમરી રિટર્ન ભરવાની સમયમર્યાદા પૂરી થઈ હોવા છતાં અડધોઅડધ કરતાં પણ ઓછા એસેસીઓ (કરદાતા)એ રિટર્ન ભર્યા છે.
સરકારી અધિકારીઓએ કહ્યું હતું કે જીએસટી લાગુ પડયા પછીના બે માસના આંકડા રિટર્ન અંગે મળ્યા હતા. તેના જેવા આંકડા ત્રણ માસ પૂરા થયા પછીના છે. ગત શુક્રવાર સુધીમાં 80 લાખમાંથી 39.4 લાખ કરદાતાઓએ જીએસટીઆર 3બી રિટર્ન ભર્યા છે એમ સૂત્રોએ ઉમેર્યું હતું.
કરવેરા ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે આટલી મોટી સંખ્યામાં કરદાતાઓએ રિટર્ન ભર્યા નથી તે બાબત ચિંતા ઊપજાવે એવી છે.
ખૈતાન ઍન્ડ કંપનીના અભિષેક રાસ્તોગીએ જણાવ્યું હતું કે આ રિટર્ન ભરનારાઓની સંખ્યા માંડ 50 ટકા છે. તહેવારોના દિવસોમાં ડેટલાઇન હોવાથી શું લોકો રિટર્ન ભરી શક્યા નથી? રિટર્ન નહીં ભરી શકાયાનું સાચું કારણ શોધાવું જોઈએ. સરકારે કરદાતાઓને રિટર્ન ભરવાનું સ્મરણ અપાવવાનો સમય આવી ગયો છે.
ટૅક્સમૅનના આદિત્ય સિંઘાણિયાએ જણાવ્યું હતું કે જીએસટી વિશે લોકોમાં જાણકારીનો અભાવ અને અસ્પષ્ટતાના લીધે સપ્ટેમ્બરના રિટર્ન ભરનાઓની સંખ્યા ઓછી છે. જીએસટી કાઉન્સિલે દોઢ કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવનારાઓને ત્રૈમાસિક રિટર્ન ભરવામાંથી મુક્તિ આપી છે તેના કારણે પણ ઘણા લોકોએ રિટર્ન ભર્યા ન હોય એવી શક્યતા છે.
જીએસટીએનના અધ્યક્ષ અજયભૂષણ પાંડેએ જણાવ્યું છે કે પ્રથમ બે માસમાં ઘણા કરદાતાઓએ ડયુડેટ પછી રિટર્ન ભર્યા હતા. તેથી સપ્ટેમ્બરના રિટર્ન આગામી દિવસોમાં ભરવામાં આવી શકે છે. જીએસટીએનના નેટવર્કનો તેની ક્ષમતા કરતાં ત્રીજા ભાગનો ઉપયોગ થઈ રહ્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer