કોસ્ટલ પ્રવાસનો નવો અધ્યાય શરૂ થયો : મોદી

કોસ્ટલ પ્રવાસનો નવો અધ્યાય શરૂ થયો : મોદી

ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસનું લોકાર્પણ કરતા વડા પ્રધાન

અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા/ભાવનગર, તા. 22: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મેરીટાઇમ યુનિવર્સિટી અને લોથલ ખાતે મેરીટાઇમ મ્યુઝિયમ સ્થાપવાની જાહેરાત કરી હતી. ઘોઘા-દહેજ ફેરી સર્વિસના રૂા. 650 કરોડના ખર્ચે તૈયાર થયેલા પ્રોજેકટનું લોકાર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોસ્ટલ પ્રવાસનો નવો અધ્યાય શરૂ થયો છે, ભાવનગરની ધરતી પરનો આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેકટ એ દક્ષિણ અને પૂર્વ એશિયાનો સૌથી મોટો આધુનિક ટેકનોલોજીવાળો પ્રોજેકટ છે. આ પ્રોજેકટથી 360 કિ.મી.નો માર્ગ માત્ર 31 કિ.મી.ના દરિયાઇ માર્ગમાં ફેરવાશે. આથી સમય નાણાંનો મોટો બચાવ થશે. ટ્રાકિ સમસ્યા પણ હલ થશે, અર્થતંત્ર મજબૂત બનશે.
`લંકાની લાડી ને ઘોઘાનો વર' પ્રચલિત કહેવતને યાદ કરીને વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે ઘોઘાની વર્ષો પહેલા કેવી જાહોજલાલી હશે. ઘોઘા-દહેજ ફેરી સર્વિસથી ઉદ્યોગોને બળ મળશે, રોજગારીની વિપુલ તકો વધશે અને પ્રવાસન ઉદ્યોગને નવી દિશા મળશે. પરિણામે સૌરાષ્ટ્ર-કચ્છના લાખો લોકોનું જીવન બદલી નાખશે. માનવીની મૂલ્યવાન ચીજ સમય છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 12 હજાર લોકો દરરોજ પ્રવાસ કરે છે. પાંચ હજારથી વધુ વાહનો આ માર્ગો પર દોડે છે. 360 કિ.મી.નો માર્ગ 31 કિ.મી.ના દરિયાઇ માર્ગમાં ફેરવાતા સમય, નાણાંનો બચાવ થશે અને ટ્રાફીકની સમસ્યા હલ થશે.
શું છે રો-રો ફેરી સર્વિસ ?
* ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ મોદીની મહાત્ત્વાકાંક્ષી યોજનામાંની એક
* 2012માં મુખ્યમંત્રી તરીકે મોદીએ યોજનાનું ખાતમુહૂર્ત કર્યું 
* ફેરી સર્વિસ માટે 615 કરોડનો ખર્ચ
* ઘોઘા અને દહેજને સેવા માટે અનુરૂપ બનાવવા સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ કેન્દ્રએ 117 કરોડ ફાળવ્યા
* યોજનાથી ઘોઘા અને દહેજ વચ્ચેનું 360 કિમીનું અંતર ઘટીને 31 કિમી 
* 10 કલાકની મુસાફરી માત્ર એક કલાકમાં 
* પ્રથમ તબક્કાથી મુસાફરોને મળશે સેવાનો લાભ
* વાહનોની અવરજવર માટેનો બીજો તબક્કો જાન્યુઆરી 2018થી શરૂ
* ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રો વચ્ચેનો સંપર્ક મજબૂત બનશે
* એક જહાજ ઉપર 100 વાહન (કાર, બસ, ટ્રક) અને 250 લોકો મુસાફરી કરી શકશે
* રો-રોમાં મુસાફરદિઠ 600 રૂપિયા ભાડુ
* શરૂઆતના તબક્કામાં એક ફેરી દિવસના બે-ત્રણ વખત સર્વિસ આપશે

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer