મહિલાની હત્યા બાદ મૃતદેહના ટુકડા કરી ફેંકી દેવાના કેસમાં બે આરોપીની ધરપકડ


 
થાણે, તા.22 (પીટીઆઇ) : 40 વર્ષની મહિલાની હત્યા કરીને તેના મૃતદેહના ટુકડા કરીને અલગ-અલગ સ્થળે ફેંકી આવવાના કેસમાં બે આરોપીની ધરપકડ કરાઇ હોવાનું થાણે પોલીસે આજે જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે આ હત્યા કેસમાં ભિવંડી નજીકના ટેમઘરમાં રહેતા 38 વર્ષના જીયાલાલ ખાન અને 40 વર્ષના સુરેશ રાજગુરેની ધરપકડ કરાઇ છે, બંને આરોપી મજૂરી કામ કરે છે. ભિવંડી ડિવિઝનના શાંતિ નગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ. જે. બગ્ગાએ જણાવ્યું હતું કે મૃતક મહિલા વંશી વામન કોરાડ આદિવાસી તાલુકા જવાહરની રહેવાસી હતી અને મજૂરી કામ માટે ટેમઘરમાં રહેતી હતી. 
આરોપીઓ અને આ મહિલા મજૂરી કામ કરનારા હોવાથી એકબીજાને ઓળખતાં હતાં, 20 અૉક્ટોબરે રાત્રે ત્રણે સાથે બેસીને વાતો કરતાં હતાં તેમાં કોઇક નજીવી બાબતે ઉગ્ર દલીલો થઇ હતી અને ઉશ્કેરાયેલા આરોપીઓએ ધારદાર હથિયારથી આ મહિલાને ત્યાં જ મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાદમાં તેના મૃતદેહના ટુકડા કરીને બે ગૂણીમાં ભરીને અલગ-અલગ સ્થળે ફેંકી દીધા હતા.
શનિવારે એક નાળાની નજીક લોહીથી લથબથ ગૂણી પડેલી હોવાની માહિતી કોઇએ પોલીસને આપ્યા બાદ પોલીસ આ સ્થળે પહોંચી હતી. બાદમાં તપાસ કરતા ભિવંડી નજીક બીજી ગૂણી પણ મળી આવી હતી. સ્થાનિક રહેવાસીઓએ મૃતક મહિલાને ઓળખી લીધા બાદ આરોપીઓનું પગેરું મળ્યું હતું. આજે સવારે બંને આરોપીની ધરપકડ કરાયાનું પોલીસે જણાવ્યું હતું.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer