હીરાના ખેલાડીઓ બે મહિનાથી પૉઝિશનનું હેજિંગ કરવા માટે મથી રહ્યા છે

મુંબઈ, તા. 14 : જેમ્સ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે  (જીજેઈપીસી) જાહેર કરેલા આંકડાઓમાં સ્પષ્ટ નિર્દેશ કરાયો છે કે ગત ઓગસ્ટમાં ભારતની પોલિશ્ડ ડાયમંડની નિકાસ વૉલ્યૂમની દૃષ્ટિએ 2.1 ટકા ઘટી 2.8 મિલિયન કેરેટ્સ રહી હતી અને સરેરાશ ભાવ 5 ટકા ઘટી કેરેટદીઠ 646 યુએસ ડૉલર થયા હતા. પોલિશ્ડ ડાયમંડની આયાત 46 ટકા ઘટી 143 યુએસ ડૉલર રહી હતી. અર્થાત, પોલિશ્ડ ડાયમંડની ચોખ્ખી નિકાસ 0.3 ટકા ઘટી 1.67 અબજ યુએસ ડૉલરના સ્તરે રહી હતી. હોંગકોંગ ખાતે તાજેતરમાં યોજાયેલા જવેલરી અને જેમ્સ ફેરમાં લિક્વિડિટી વધુ અને ખરીદી ઓછી રહી હતી. રંગીન અને અર્ધકીંમતી નંગોમાં માગ સ્થિર રહી હતી. જોકે, નાના ડાયમંડની ફૅશન જવેલરીમાં ખરીદી સારી હતી. આ ફેરમાં ભાગ લેનાર સામાન્યપણે માન્યતા ધરાવતા હતા કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે ફેર ફિક્કો રહ્યો હતો. સ્થિર માગ છતાં ઉત્પાદકોને નવા કામકાજ ઘટયા હોવાનો અનુભવ થયો હતો. 
ડાયમંડ ઉદ્યોગના સહભાગીઓ છેલ્લાં બે મહિનાથી ભાવમાં ચંચળતાથી સલામતી મેળવવા પોતાની પોઝીશન હેજ કરી રહ્યા છે. રૂપિયાના અવમૂલ્યનથી ડાયમંડના ભાવ વધી આવ્યા છે. આથી,  આગામી મહિનાઓના આઇસીઈએક્સના કોન્ટ્રેક્ટસમાં ભાવની દૃષ્ટિએ ઉજ્જવળ દિવસોની અપેક્ષા રખાય છે.
ડાયમંડ વેપારના છેલ્લાં બે મહીનાના આંકડા આર્બિટ્રાજની સારી તકો અને સુરક્ષિત તેમજ સ્થિર વળતરનો સંકેત આપે  છે. વાયદાના સહભાગીઓ હાજરમાં ખરીદીને આર્બિટ્રાજ પોઝીશન ઊભી કરી વાયદામાં વેચી શકે છે કારણકે, ડાયમંડના કેરેટદીઠ રૂા.3212ના હાજર ભાવ સામે વાયદાના વિવિધ કોન્ટ્રેક્ટસના ભાવ રૂા.3223 થી 3231જેવા છે.આઇસીઈએક્સના પ્લૅટફૉર્મ પર ગત 28 ઓગસ્ટથી 26 સપ્ટેમ્બર દરમિયાન સરેરાશ વાર્ષિક જોખમમુક્ત વળતર 11.61 ટકા રહ્યું હતું.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer