ફુગાવો વધતાં સેન્સેક્ષ 33000ની નીચે

ફુગાવો વધતાં સેન્સેક્ષ 33000ની નીચે
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
અૉક્ટોબર મહિનાના સ્થાનિક હોલસેલ ફુગાવાના આંકડા આજે જાહેર થતાં તેમ જ કોર્પોરેટ ત્રિમાસિક નાણાકીય પરિણામોની જાહેરાતને પગલે બેન્ચમાર્ક સૂચકાંકો આજે સ્થિર રહ્યા હતા. બીએસઈ સેન્સેક્ષે 33000ની સપાટી ગુમાવી હતી. 
એલ એન્ડ ટી, એચડીએફસી, ઈન્ફોસિસ, આઈટીસીના લીધે બજાર નીચું આવ્યું હતું, જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (1.3 ટકા ઊંચો) અને ઓટો શૅર્સના લીધે બજાર ઊંચુ આવી અંતે સેન્સેક્ષ 91.69 પોઈન્ટ્સ ઘટીને 32941.87 ઉપર બંધ રહ્યો હતો, જ્યારે 50 શૅર્સનો નિફ્ટી 38.40 પોઈન્ટ્સ ઘટીને 10186.60 ઉપર બંધ રહ્યો હતો, જે 23 અૉક્ટોબર બાદ સૌથી નીચું છે. 
રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દર ઘટાડે એ આશાએ બજારમાં વોલેટિલીટી વધી હતી.  ભારતનો કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (સીપીઆઈ)- રિટેલ ફુગાવો સાત મહિનાની ટોચે 3.58 ટકા પર રહ્યો હતો, જે સપ્ટેમ્બરમાં 3.28 ટકાનો હતો.  ઈંધણ અને અનાજના ભાવમાં વધારો થતા ફુગાવો પણ વધ્યો છે. રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) આવતા મહિને દરમાં ઘટાડો કરે તો ચિત્ર બદલાઈ શકે છે. ઔદ્યોગિક વૃદ્ધિ 4.61 ટકાથી 4.55 ટકા થઈ છે. અમેરિકાના કર સુધારણાની રાહે એશિયાનાં બજારો આજે અસ્થિર રહ્યા હતા.
જીયોજિત ફાઈનાન્શિયલ સર્વિસીસના ચીફ માર્કેટ સ્ટ્રેટેજીસ્ટ આનંદ જેમ્સના કહેવા મુજબ, રૂપિયા ઈન્ડેક્સની હિલચાલ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોના પરિમાણોને જોતા બજારમાં નાના-ગાળાનું ટ્રેન્ડ જળવાઈ રહેશે. 
નિફ્ટી મિડકેપ 0.2 ટકા ઘટયો હતો. એનએસઈમાં 1034 શૅર્સ ઘટયા જ્યારે 699 શૅર્સ વધ્યા હતા.  તેમ જ ચીનમાં ફેક્ટરી ઉત્પાદન ઘટતાં, લંડનમાં રાજકીય ચિંતા વધતાં અને અમેરિકાના કર સુધારાની અનિશ્ચિતતાને પગલે વૈશ્વિક બજારો મંદ રહ્યાં હતાં. ચીનનો શાંઘાઈ કોમ્પોસીટ 0.5 ટકા અને અૉસ્ટ્રેલિયાનો એએસએક્સ 200 આજે 0.88 ટકા ઘટયો હતો. 
ભારતી એરટેલે રૂા.3325 કરોડના મૂલ્યના શૅર્સ બ્લોક ડીલ મારફતે વેચતા ભારતી ઈન્ફ્રાટેલનો શૅર 4.5 ટકા ઘટયો હતો. એલ એન્ડ ટીના સંચાલને સંપૂર્ણ વર્ષ માટે ઓર્ડરનો પ્રવાહ વૃદ્ધિ 12-14 ટકા નહીં રહેવાનું જણાવતા શૅર 2.5 ટકા ઘટયો હતો. 10 વર્ષની બોન્ડની ઉપજ પર 7.06 ટકાનો ફટકો લાગતા પીએસયુ બૅન્કના શૅર્સ નીચા રહ્યા હતા. બૅન્ક ઓફ ઈન્ડિયા 0.6 ટકા અને કેનેરા બૅન્ક તેમ જ પંજાબ નેશનલ બૅન્ક બંને 1.7 ટકા ઘટયા હતા.  ધારણા મુજબનાં નાણાકીય પરિણામો નહીં હોવાથી આઈશર મોટર્સનો શૅર 1.6 ટકા ઘટયો હતો. સન ફાર્મા 1.2 ટકા ઘટયો હતો જ્યારે બૅન્ક ઓફ બરોડા 1.5 ટકા વધ્યો હતો. ક્રેડિટ સુઈસીએ એચયુએલ અને હેવલ્સના ક્રેડિટ અપગ્રેડ કરતા બંને શૅર્સ અંદાજે અડધા ટકા જેટલા વધ્યા હતા. 
એચડીએફસી, એચડીએફસી બૅન્ક અને આઈટીસી અડધા ટકા જેટલા નીચા હતા, જ્યારે એક્સિસ બૅન્ક, હીરો મોટોકોર્પ, એમએન્ડએમ અને બજાજ ઓટો એકથી બે ટકા વધ્યા હતા. જ્યારે ત્રિમાસિક નાણાકીય પરિણામો જાહેર થયા બાદ ધનલક્ષ્મી બૅન્ક, કરૂર વેશ્ય બૅન્ક અને પીટીસી ઈન્ડિયા ફાઈનાન્શિયલ તેમ જ એનસીસીના શૅર્સ 3-7 ટકા ઘટયા હતા. શાલીમાર પેઈન્ટ્સ 10 ટકા ઘટયા બાદ એશિયન પેઈન્ટ્સ 1.7 ટકા અને કન્સાઈ નેરોલેક બે ટકા ઘટયા હતા.  પહેલા દિવસે ખાદિમ ઈન્ડિયા આઠ ટકા ઘટીને રૂા. 688.50 ઉપર બંધ રહ્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer