સ્વદેશી સ્ટેશનરી ઉત્પાદકો ચીન સાથે સ્પર્ધા કરી શકશે

જીએસટી ઘટીને 10 ટકા થયો
મણિલાલ ગાલા તરફથી
મુંબઈ, તા. 14 : સ્ટેશનરીની અનેક ચીજો પરનો જીએસટી 28 ટકામાંથી ઘટાડીને 18 ટકાનો કરવામાં આવતાં મહારાષ્ટ્ર, ગુજરાત સહિત દેશના સ્ટેશનરી વેપારીઓ અને ઉત્પાદકોમાં આનંદનો માહોલ છવાયો છે.
ફેડરેશન અૉફ મહારાષ્ટ્ર સ્ટેશનરી મેન્યુફેકચર્સ ઍન્ડ ટ્રેડર્સ ઍસોસિયેશનના પ્રમુખ પારસ પી. શાહે જણાવ્યું હતું કે પ્લાસ્ટિક રો મટિરિયલ સંબંધિત સ્ટેશનરી અને 3926 એચએસએન કોડની આઇટમો પર પ્રથમ 28 ટકાનો જીએસટી લાદવામાં આવતાં દેશભરના સ્ટેશનરી ટ્રેડરો અને ઉત્પાદકો ચોંકી ઉઠયા હતા અને ચીનની સસ્તી સ્ટેશનરીની ચીજો સામે ટકી રહેવા માટે મોટો પડકાર ઊભો થયો હતો. અનેક નાના અને મધ્યમ ઉત્પાદકો તેમ જ ટ્રેડરોએ  તેમનાં શટર પાડી દેવાની તૈયારી કરી લીધી હતી. પરંતુ મહારાષ્ટ્ર, ગુજરાત સરકાર સ્તરે તેમ જ કેન્દ્રમાં ઉચ્ચ સ્તરે જોરદાર રજૂઆત કરવામાં આવતાં સરકારે અમારી વાત કાને ધરી હતી અને છેવટે 28 ટકાનો જીએસટી સ્લેબ કાઢી નાખવામાં આવ્યો છે અને હવે 5, 12, અને 18 ટકાના સ્લેબમાં વિવિધ ચીજો સામેલ કરવામાં આવતાં સ્ટેશનરી ઉદ્યોગને ભારે રાહત થઈ છે.
મહારાષ્ટ્રમાં મુંબઈ સ્ટેશનરી ઉદ્યોગનું હબ ગણાય છે. અમારા ફેડરેશન સાથે વિવિધ 37 ઍસોસિયેશનો સંકળાયેલા છે. રાજ્યમાં લગભગ 5000 ટ્રેડરો અને ઉત્પાદકો કાર્યરત છે.
જીએસટી ઘટતાં હવે દેશના વેપારીઓ અને ઉત્પાદકો ચીનની કંપનીઓ સાથે સ્પર્ધા કરી શકશે અને વેપારની વૃદ્ધિ કરી શકશે, એમ શાહે જણાવ્યું હતું.
શાહ ઉપરાંત ફેડરેશનના મંત્રીઓ કિશોરભાઈ કેરિયા, ધર્મેન્દ્ર ભક્તા, નેમીસ મહેતા, દિલ્હીના અમીન ગુપ્તા તેમ જ ઉત્પાદકોમાં શ્રીરામ દાંડેકર, નવનીત ગ્રુપના શૈલેન્દ્ર ગાલા, સુંદરમના અમૃતલાલ શાહ, અમરદીપ અરોરા સહિતની ટીમે કેન્દ્રના રાજ્યપ્રધાન મનસુખભાઈ માંડવિયા, અર્જુનરામ મેઘવાલ, નાણાં સચિવ હસમુખ અઢિયાને મળીને ભારપૂર્વક રજૂઆત કરી હતી. આ ઉપરાંત મહારાષ્ટ્રના નાણાપ્રધાન સુધીર મુનગંટીવાર, સેલ્સ ટૅક્સ કમિશનર રાજીવ જાલોટા, ગુજરાતના સેલ્સ ટૅક્સ કમિશનર પી. ડી. વાઘેલા, ગુજરાત ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણી સમક્ષ પણ રજૂઆત કરી હતી જેનું સારું પરિણામ આવ્યું હતું અને જીએસટીમાં 10 ટકાની રાહત થતાં સ્ટેશનરી ઉદ્યોગે રાહતનો શ્વાસ લીધો છે, એમ પારસભાઈએ જણાવ્યું હતું.
જીએસટી પહેલાં સ્ટેશનરી પર 17.5 ટકા વૅટ અને એક્સાઇઝ તેમ જ 2 ટકા સીએસટી હતો. હવે 18 ટકા જીએસટી થતાં ઉદ્યોગને કરવેરામાં દોઢ ટકાનો ફાયદો થયો છે, એમ તેમણે જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer