લોકોની સમસ્યાને વાચા આપવા રાષ્ટ્રવાદી દ્વારા 25મી નવેમ્બરથી હલ્લાબોલ આંદોલન

યવતમાળથી  નાગપુર સુધી કઢાશે પદયાત્રા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : ખેડૂતો માટે દેવાં માફી જાહેર કર્યા પછી તેના અમલમાં વિલંબ, યુવકોમાં બેરોજગારી, મહિલાઓને અસલામતી તેમ જ કથળેલી કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ પ્રત્યે વિરોધ પ્રદર્શિત કરવા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ આવતી 25મી નવેમ્બરથી હલ્લાબોલ આંદોલન શરૂ કરશે.
રાષ્ટ્રવાદી કૉંગ્રેસના મહારાષ્ટ્ર એકમના વડા અને વિધાન પરિષદના સભ્ય સુનીલ તટકરેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના પ્રથમ મુખ્ય પ્રધાન યશવંતરાવ ચવ્હાણની પુણ્યતિથિ 25મી નવેમ્બરે છે. તે દિવસથી આ આંદોલન શરૂ કરાશે. મહારાષ્ટ્રમાં સહુથી વધારે આત્મહત્યા યવતમાળ જિલ્લામાં થઈ છે.  તે જિલ્લાથી પહેલી ડિસેમ્બરે પદયાત્રા શરૂ કરાશે. તે પદયાત્રા આવતી 11 ડિસેમ્બરે નાગપુરસ્થિત વિધાન ભવન ખાતે પહોંચશે. તે સમયે ત્યાં વિધાનગૃહોનું શિયાળુ અધિવેશન ચાલતું હશે. તેથી ખેડૂતોની સમસ્યાઓ પ્રત્યે આખા રાજ્યનું ધ્યાન દોરવામાં મદદ મળશે. આ પદયાત્રા પનવા-વર્ધા થઈને નાગપુર પહોંચશે. આ પદયાત્રામાં વિધાનગૃહોના નેતા અજિત પવાર અને સાંસદ સુપ્રિયા સૂળે જોડાશે એમ તટકરેએ ઉમેર્યુ હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer