ચેસ ખેલાડી જૈસલ શાહને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત

કનૈયાલાલ જોશી તરફથી
મુંબઈ, તા. 14 : ભારત સરકારના મહિલા અને બાલ વિકાસ મંત્રાલય તરફથી આજે મંગળવારે બાલદિન નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા એક સમારોહમાં દેશભરનાં કુલ 16 બાળકોને ઉત્કૃષ્ટ ઉપલબ્ધિ માટે રાષ્ટ્રીય બાલ પુરસ્કાર - 2017 રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે એનાયત થયા હતા. પુરસ્કાર પ્રાપ્ત કરનાર બાળકોમાં કચ્છના જૈસલ શાહનો સમાવેશ થાય છે.
જૈસલ સંદીપ શાહ (7)એ ચેસનો અંડર-7 કેટેગરીમાં રાષ્ટ્રીય સ્તરનો ખેલાડી છે. અભ્યાસમાં પણ તેજસ્વી છે. ઈંગ્લિશ ઓલિમ્પિયાડ અને મેથ્સ ઓલિમ્પિયાડમાં ઈન્ટરનેશનલ રેન્ક-1 પ્રાપ્ત કરી છે. ચેસ રમવાને કારણે લીડરશિપનો ગુણ વિકસ્યો છે. તેણે તાજેતરમાં એશિયાના નંબર વન ચેસ પ્લેયરને હરાવ્યો હતો. એકસો શાળાઓ વચ્ચેની ચેસ સ્પર્ધામાં તેની શાળા ટીમને એવૉર્ડ જીતાડયો હતો.
જૈસલ શાહે સાત વર્ષની ઉંમરમાં ચેસની 61 ટ્રૉફી જીતી છે. તે સ્કૂલના મિત્રોને ચેસ રમતા શીખવે છે. તેનાં મમ્મી કિંજલ શાહ ઈન્ટરિયર ડિઝાઈનર છે, પણ વ્યવસાય કરતા નથી. જ્યારે પિતા સંદીપ શાહ (તલવાણા)નો ગાર્મેન્ટનો બિઝનેસ દાદરમાં છે.
મમ્મી કિંજલ શાહ અને પિતા સંદીપ શાહ આજે દિલ્હીમાં છે. કિંજલ શાહે કહ્યું કે ચેસ બ્રેઈન ગેમ છે. કોઈ પણ સ્થિતિમાં મેદાન નહીં છોડી જવાનું આ ગેમ શીખવે છે. જૈસલ એકવાર વાંચે એટલે યાદ રહી જાય છે. તેને વિજ્ઞાનમાં રુચિ છે. પ્રયોગો કરવામાં રસ ધરાવે છે. હાલમાં તે બીજા ગ્રેડમાં ભણે છે. જૈસલની સિદ્ધિના કારણે અમને રાષ્ટ્રપતિ ભવનમાં ગરિમાપૂર્વ સમારોહમાં હાજરી આપવા મળી. તેની સફળતા માટે અમે ખૂબ ખુશ છીએ.
રાષ્ટ્રીય રજતપદક મેળવનારાં બાળકોમાં જૈસલ સૌથી નાની વયનો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer