હાર્દિક પટેલની કથિત વાંધાજનક વધુ વીડિયો વાઇરલ !

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.14 : પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલના યુવતી સાથેના કથિત વીડિયે બાદ આજે સવારે હાર્દિક પટેલ અને અન્ય બે યુવકો યુવતી સાથે મોજ મસ્તી અને દારૂ પીતા હોય તેવા વધુ ત્રણ વીડિયો યુ ટયૂબ પર અપલોડ કરવામાં આવ્યા છે. અપલોડ કરાયેલા કથિત વીડિયોમાં હાર્દિક પટેલ જેવા દેખાતા યુવક સાથે યુવતી અને અન્ય બે યુવક દેખાય છે. દારૂની બોટલ, યુવતી સાથે હાર્દિક પટેલ જેવો દેખાતો યુવક અને અન્ય બે યુવકના વીડિયો બહાર આવતા ચર્ચાનો વિષય બન્યો છે. જો કે વીડિયોમાં પાસના કન્વીનર હાર્દિક પટેલ છે તેની કોઇ પુષ્ટિ કરવામાં આવતી નથી. હાર્દિકના કહેવાતા વધુ વીડિયો વાઇરલ થતા પાસ અને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. હાર્દિકના કહેવાતા નવા વીડિયો વોટ્સઍપ સહિત સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. 
પાસના આગેવાન નેતા હાર્દિક પટેલનો ગઇકાલે યુવતી સાથેનો કથિત વીડિયો વાઇરલ થતાં ચર્ચાનો વિષય બન્યો હતો. જેમાં હાર્દિક પટેલ જેવો દેખાતો યુવક યુવતી સાથે રૂમમાં લાઇટ બંધ કરીને અંગત પળો માણતો જોવા મળ્યો હતો. દરમિયાન આજે સવેરા યુ ટયૂબ પર હાર્દિક એન્ડ ગેંગના નામના વધુ ત્રણ કથિત  વીડિયો અપલોડ થયા છે. ડે આફટર ધ ન્યાય યાત્રા ઇન બોટાદ, હાર્દિક પટેલ એન્ડ ગેંગ ઇન્ડલજિંગ ઇન વ્હિસ્કી એન્ડ વુમન નામના પ્રથમ વીડિયોમાં તા.23 મે, 2017 અને રાત્રે 12.17નો સમય બતાવે છે જ્યારે ન્યાય યાત્રાના બીજા દિવસનો બીજો વીડિયો 22 મે, 2017ના રાત્રે 11.40નો સમય દર્શાવે છે અને ત્રીજો વીડિયો 22 મે 2017ના રાત્રિના 23.38નો સમય બતાવે છે.  આ વીડિયો સાથે કથિત ટિપ્પણીઓ પણ લખવામાં આવી છે. 
નોંધવું ઘટે કે, ગઇકાલે જે કથિત વીડિયો બહાર આવ્યો હતો તે 17 મે, 2017ના રોજનો હતો. જેમાં હાર્દિક પટેલના માથામાં વાળ જણાય છે જ્યારે આજે અપલોડ કરાયેલા ત્રણ કથિત વીડિયોમાં હાર્દિક જેવા દેખાતો યુવક અને અન્ય બે યુવકોએ માથામાં મુંડન કરાવેલ જણાય છે. વધુ ત્રણ વીડિયો બહાર આવતા ગુજરાતના રાજકારણમાં અને પાસના આગેવાનોમાં ખળભળાટ મચી ગયો છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer