ચિત્રકૂટની હાર બતાવે છે કે દેશ કૉંગ્રેસમુક્ત થયો નથી : ભાજપને શિવસેનાનો ટોણો

ચિત્રકૂટની હાર બતાવે છે કે દેશ કૉંગ્રેસમુક્ત થયો નથી : ભાજપને શિવસેનાનો ટોણો
મુંબઈ, તા. 14 (પીટીઆઈ) : મધ્યપ્રદેશના ચિત્રકૂટની પેટાચૂંટણીમાં કૉંગ્રેસ સામે ભાજપની હાર અંગે ટોણો મારતા શિવસેનાએ આજે જણાવ્યું હતું કે શાસક પક્ષના ભારે પ્રયાસો છતાં દેશ હજી કૉંગ્રેસમુક્ત થયો નથી.
રવિવારે ચિત્રકૂટ વિધાનસભાની બેઠક કૉંગ્રેસે 14,000 મતોના મોટા તફાવતથી જીતી લીધી હતી.
પક્ષના મુખપત્ર `સામના'માં પ્રસિદ્ધ થયેલા અગ્રલેખમાં સેનાએ જણાવ્યું છે કે ચિત્રકૂટના પરાજયથી ભાજપએ બહુ ગુમાવ્યું છે એવું નથી. આમ છતાં એવો ભય લાગે છે કે કૉંગ્રેસના પરાજયની હારમાળાનો અંત તો નથી આવ્યો ને?
અગ્રલેખમાં વધુમાં જણાવ્યું છે કે પ્રથમ ભાજપે પંજાબમાં ગુરદાસપુર લોકસભા બેઠક ગુમાવી હતી. એ બાદ મહારાષ્ટ્રમાં નાંદેડ મહાપાલિકામાં તેને મોટી હાર ખમવી પડી હતી અને ચિત્રકૂટ એ ભાજપની ત્રીજી નિષ્ફળતા છે.
મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે આ બેઠકને પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો હતો અને ભાજપ કોઈ પણ ભોગે આ બેઠક જીતે એવી તૈયારી હતી. છતાં ભાજપ હારી ગઈ, એમ સેનાએ જણાવ્યું છે.
ભાજપના નુકસાનથી અમને દુ:ખ થયું છે, એમ પણ `સામના'માં જણાવાયું છે.
ભાજપના છેલ્લાં બે-ત્રણ વર્ષના પ્રયાસો છતાં દેશ કૉંગ્રેસમુક્ત થયો નથી, 
કૉંગ્રેસને ચિત્રકૂટમાં પણ હરાવી શકાઈ નથી, એમ સેનાએ જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer