રૅશનિંગમાં 55 રૂપિયે કિલો તુવેરદાળ આપવાની રાજ્ય સરકારની યોજનાની સફળતા સામે પ્રશ્નાર્થ

રૅશનિંગમાં 55 રૂપિયે કિલો તુવેરદાળ આપવાની રાજ્ય સરકારની યોજનાની સફળતા સામે પ્રશ્નાર્થ
મણિલાલ ગાલા તરફથી
મુંબઈ, તા. 14 : રાજ્ય સરકારે હવે રૅશનિંગમાં 55 રૂપિયે પ્રતિ કિલો તુવેરદાળ આપવાની યોજના બનાવી છે, પરંતુ તે સફળ થવા સામે શંકા સેવાય છે. કારણ કે સરકારની યોજના અમલમાં આવતાં સમય લાગશે અને ત્યાં સુધીમાં નવી તુવેરનો પાક પણ આવી ગયો હશે ત્યારે એક વર્ષ જૂની તુવેરદાળ કોણ લેશે એવો પ્રશ્ન જાગે છે.
બજારનાં જાણકાર વર્તુળોએ જણાવ્યું હતું કે નવી તુવેરનો પાક માથે છે અને આ વર્ષે પણ પાક સારો આવશે એવા નિર્દેશ છે. વધુમાં સરકાર પાસે જે ક્વૉલિટીની તુવેર છે તેવી તુવેર હાલ પણ 55થી 60 રૂપિયે પ્રતિ કિલો મળી રહી છે અને આવનારી સિઝનમાં સારો પાક હોવાથી તુવેરના ભાવ વધવાની શક્યતા ઓછી છે ત્યારે દેખીતી રીતે જ વપરાશકારો નવી તુવેરદાળ લેવાનું જ પસંદ કરશે. હાલ રિટેલમાં સારી ક્વૉલિટીની તુવેરદાળના ભાવ પ્રતિ કિલો 70થી 80 રૂપિયા છે, એમ રિટેલ ગ્રેન ડીલર્સ ઍસોસિયેશનના પ્રમુખ રમણીકલાલ જાદવજી છેડાએ જણાવ્યું હતું.
ગત સિઝનમાં મહારાષ્ટ્રમાં તુવેરનો બમ્પર પાક થતાં સરકારે 25 લાખ ક્વિન્ટલ તુવેર ખેડૂતો પાસેથી 5050 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે પ્રાપ્ત કરી હતી. દેશમાં અન્ય ઉત્પાદક મથકોએ પણ સારો પાક થતાં તુવેરના ભાવ ગગડયા હતા અને અનેક ખેડૂતોને તુવેર ઓપન માર્કેટમાં 3500થી 4200 રૂપિયે પ્રતિ ક્વિન્ટલ વેચવી પડી હતી.
આવા સંજોગોમાં સરકારે તુવેર ખરીદી કેન્દ્રો ખોલ્યાં હતાં અને તેણે 5050 રૂપિયાના ભાવે 25 લાખ ટન ક્વિન્ટલ તુવેર ખરીદી હતી. હવે સરકારે પ્રતિ કિલો 25 રૂપિયાના ખર્ચે તુવેરનું મિલિંગ કરાવવાનું નક્કી કર્યું છે. જેમાંથી તેને 18 લાખ ક્વિન્ટલ તુવેરદાળ મળશે. પરિણામે સરકારને અંદાજે 450 કરોડ રૂપિયાનું નુકસાન જશે.
વર્તુળોએ એમ પણ જણાવ્યું હતું કે સરકાર રૅશનિંગમાં આ તુવેરદાળ બીપીએલ હેઠળ વેચે તો કદાચ તેનો ઉપાડ થઈ શકે, આમ છતાં આવનારા સારા પાક બાદ આ વર્ષે પણ તુવેરદાળના ભાવ નીચી સપાટીએ રહેશે તો ગત સિઝનની તુવેરદાળ સરકારનાં ગોદામોમાં સડે તો નવાઈ નહીં, એમ બજારના એનલિસ્ટ દેવેન્દ્ર વોરાએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે સરકાર જાગી પણ મોડી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer