કુખ્યાત ગૅંગસ્ટર દાઉદ ઇબ્રાહિમની ત્રણ સ્થાવર મિલકતોના લિલામમાં રૂા. 11.58 કરોડ ઊપજ્યા

કુખ્યાત ગૅંગસ્ટર દાઉદ ઇબ્રાહિમની ત્રણ સ્થાવર મિલકતોના લિલામમાં રૂા. 11.58 કરોડ ઊપજ્યા
સૈફી બુરહાની અપલિફટમેન્ટ ટ્રસ્ટ દ્વારા સહુથી ઊંચી રકમની બોલી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : મુંબઈમાં માર્ચ, 1993માં થયેલા શ્રેણીબંધ બૉમ્બધડાકાના મુખ્ય આરોપી અને કુખ્યાત ગૅંગસ્ટર દાઉદ ઇબ્રાહિમની દક્ષિણ મુંબઈમાંની ત્રણ સ્થાવર મિલકતોનું આજે લિલામ થયું છે. ધ સૈફી બુરહાની અમલિફટમેન્ટ ટ્રસ્ટે લિલામમાં સહુથી વધારે રકમની બોલી કરીને કુલ 11.58 કરોડ રૂપિયામાં આ ત્રણેય સ્થાવર મિલકતો ખરીદી લીધી છે.
કેન્દ્રના નાણાં મંત્રાલય દ્વારા સ્મગલર્સ ઍન્ડ ફોરેન એક્સ્ચેન્જ મેનીપ્યુલેટર્સ (ફોરફીચર અૉફ પ્રૉપર્ટી) ઍકટની જોગવાઈ અનુસાર આ સ્થાવર મિલકતનું લિલામ કરવામાં આવ્યું છે.
આ ત્રણ સ્થાવર મિલકતોમાં હોટેલ રોનક અફરોઝ (દિલ્હી ઝાયકા), શબનમ ગેસ્ટ હાઉસ અને ડામરવાલા બિલ્ડિંગમાં છ રૂમોનો સમાવેશ થાય છે.
રોનક અફરોઝ હોટેલ માટે 4.53 કરોડ રૂપિયા, શબનમ ગેસ્ટ હાઉસ માટે 3.52 કરોડ તેમ જ ડામરવાલા બિલ્ડિંગની છ રૂમો માટે 3.53 કરોડ રૂપિયા ઊપજ્યા છે, એમ લિલામની પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીએ જણાવ્યું હતું.
આ લિલામ ચર્ચગેટ રેલવે સ્ટેશન પાસે આવેલી આઈએમસી બિલ્ડિંગમાં કરવામાં આવ્યું હતું. તે સમયે મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશન તરફથી તે ઇમારત પાસે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો. આ લિલામની પ્રક્રિયા સવારે દસ વાગે શરૂ થઈ હતી. સત્તાવાળાઓએ દાઉદની ત્રણ સ્થાવર મિલકતોના આ લિલામ માટેની `કોશન મની'ની રકમ 15,000 રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા કરી હતી. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, લિલામ દરમિયાન અવ્યવસ્થા કે ધાંધલ સર્જનાર વ્યક્તિઓએ આપેલી કોશન મનીની રકમ જપ્ત કરી લેવાશે એવી ચેતવણી લિલામ પૂર્વે આપવામાં આવી હતી.
હિન્દુ મહાસભાએ પણ દાઉદ ઇબ્રાહિમની સ્થાવર મિલકત ખરીદવામાં રસ દેખાડયો હતો. અગાઉ વર્ષ 2015માં બિનસરકારી સંગઠને દાઉદની મોટરકાર લિલામમાં ખરીદી હતી અને તેને બાદમાં આગ ચાંપી હતી.
આજના લિલામમાં મઝગાંવ ખાતેના ફ્લેટ, મહંમદઅલી રોડ સ્થિત દાદરીવાલા ચાલના ભાડૂતી હકકો અને ઔરંગાબાદમાં ફેકટરી માટેના પ્લોટનો સમાવેશ થાય છે.
લિલામ બતાવે છે કે દાઉદનો ખોફ ઘટયો છે
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ આયુકત ડી. શિવાનંદને જણાવ્યું છે કે દક્ષિણ મુંબઈમાં દાઉદ ઈબ્રાહિમની સ્થાવર મિલકતોનું લીલામ બતાવે છે કે કુખ્યાત ગૅંગસ્ટર દાઉદ ઈબ્રાહિમનો ખોફ ઘટયો છે. આજે વેચવામાં આવેલી ત્રણ સ્થાવર મિલકતોનો ઉપયોગ સરકારી કચેરી અથવા પોલીસ ચોકી તરીકે થવો જોઈએ. અગાઉ થયેલા લિલામ સમયે દાઉદના ખોફના કારણે બહુ જ ઓછા લોકો તેમાં સહભાગી થતા હતા. જોકે, આ વખતે તેનો ભય ઘટતાં વધુ લોકો સહભાગી થયા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer