નબળાં વૈશ્વિક પરિબળોને પચાવી શૅરબજારોમાં ખરીદી પાછી ફરી

સેન્સેક્ષ 33000 અને નિફટી 10200ના સ્તરને પાર
મુંબઈ, તા. 16 : શૅરબજારે કન્સોલિડેશન પચાવીને સામે પુન: સુધારાનો માર્ગ લીધો હતો. શરૂઆતથી જ અમેરિકાના રોજગાર અને આંતરિક ખરીદીના પ્રોત્સાહક આંકડાના અહેવાલોથી આઈટી ક્ષેત્રના અગ્રણી શૅરોમાં જંગી સુધારણા જોવા મળી હતી. આ ઉપરાંત એસબીઆઈ સહિત બૅન્કેકસના શૅર અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં નોંધપાત્ર ઉછાળાથી એનએસઈ ખાતે નિફટી ટ્રેડિંગ અંતે 96 પૉઈન્ટ વધીને 10214 બંધ હતો, જ્યારે બીએસઈ ખાતે સેન્સેક્ષ 346 પૉઈન્ટના નોંધપાત્ર વધારા સાથે 33106 બંધ હતો. કેન્દ્ર સરકારે બૅન્કોને નવી મૂડી આપવા આરબીઆઈ પાસેથી ખાસ ડિવિડન્ડની માગ કરવાના અહેવાલથી બૅન્કોના શૅરમાં મજબૂતી હતી.
શૅરબજારના જાણકારોના અનુમાન પ્રમાણે બૅન્કિંગ, વાહન અને આઈટી ક્ષેત્રમાં વિશ્વાસપૂર્વકની સારી લેવાલીથી બજારને ટેકો મળ્યો છે. અમેરિકાના પ્રોત્સાહક આંકડા છતાં ત્યાંના બજારમાં ઘટાડો અને એશિયન બજારોમાં પણ દબાણ છતાં સ્થાનિક બજાર સુધારે હતું, એમ ટ્રેડબુલના ચીફ ડિરેકટર ધ્રુવ દેસાઈએ જણાવ્યું છે. નોન-બૅન્કિંગ 23 કંપનીઓના સપ્ટેમ્બર ત્રિમાસિક અંતેનાં પરિણામો આવવાનાં છે, જેથી આ ક્ષેત્રમાં લેવાલી રહી હતી. નિફટીના 50 શૅરમાંથી 37ના ભાવ વધ્યા હતા. જ્યારે 13ના ભાવ ઘટાડે હતા. નિફટી એફએમસીજી ઈન્ડેક્સ 1 ટકા, એનર્જી 1.5 ટકા સુધારે હતો.
બુધવારે ઘટેલા મેટલ શૅરો - તાતા સ્ટીલ, વેદાન્તા અને હિન્દાલ્કોમાં આજે 1થી 2 ટકાનો સુધારો હતો. ક્રૂડતેલના આંતરરાષ્ટ્રીય ભાવ ઓચિંતા ઘટવાથી રિલાયન્સ સહિત રિફાઈનરી શૅર સુધારે હતા. રિલાયન્સ ગ્રુપ કંપની પાસે આરકોમનો હિસ્સો નહીં હોવાની જાહેરાતને લીધે તમામ ગ્રુપ કંપનીના શૅરોએ અગાઉનો ઘટાડો પચાવીને પુન: 4થી 9 ટકાનો વધારો નોંધાવ્યો હતો.
બજારનો યુ ટર્ન કેટલો ટકશે તે આવતી કાલના બંધ પર આધાર રાખશે એમ જાણકારો માને છે. અગાઉના ઘટાડામાં દબાણમાં આવેલા બાંધકામ ક્ષેત્રના કેટલાક શૅરો આજે પુન: સુધર્યા હતા. આગામી બેઠકમાં રિયલ એસ્ટેટને જીએસટી હેઠળ આવરી લેવાય તો આ ક્ષેત્રને પ્રોત્સાહન મળવાની ચર્ચા વચ્ચે ઉપરોક્ત ક્ષેત્રના શૅરને ટેકો મળ્યો છે. આજે નિફટીના અગ્રણી શૅરોમાં ઈન્ફોસીસ રૂા. 36 વધીને રૂા. 988, ટીસીએસ રૂા. 40 વધીને રૂા. 2746, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂા. 20 વધીને રૂા. 902, એનટીપીસી રૂા. 3 વધીને રૂા. 177 અને એસબીઆઈ રૂા. 8 સુધારે રૂા. 333 બંધ હતો. હાઉસિંગ ડેવલપમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર રૂા. 2.50 સુધરીને 59.95 અને એનસીસી રૂા. 3 વધીને રૂા. 102.90 બંધ હતો. રિલાયન્સ ઈન્ફ્રા. રૂા. 28 વધીને રૂા. 446 રહ્યો હતો. આગલા દિવસે ઘટેલ રિલાયન્સ કમ્યુનિકેશનમાં આજે પુન: 16 ટકાનો જંગી સુધારો થયો હતો.
આજના મુખ્ય ઘટેલા શૅરોમાં હીરો મોટોકોર્પ નફાતારવણીને લીધે રૂા. 26 ઘટાડે રૂા. 3649, અદાણી પોર્ટ રૂા. 9 ઘટીને રૂા. 398, કોલ ઈન્ડિયા રૂા. 265ના તળિયેથી સુધારા છતાં અગાઉના બંધથી રૂા. 3 ઘટાડે રૂા. 268 બંધ હતો. બજાજ અૉટોમાં રૂા. 3ના મામૂલી ઘટાડે ભાવ રૂા. 3209 લગભગ  સ્થિર ગણાય.
આજે બીએસઈ ખાતેના કુલ ટ્રેડેડ શૅરોમાંથી 1676નો ભાવ વધ્યો હતો. જ્યારે 983 શૅરના ભાવ ઘટાડે નોંધાયા હતા. દરમિયાન, બીએસઈ મિડકેપ ઈન્ડેકસ નોંધપાત્ર 210 પૉઈન્ટ, મિડકેપ 66 પૉઈન્ટ અને બૅન્કેકસમાં 227 પૉઈન્ટનો ઉછાળો હતો.
એનલિસ્ટોના અગાઉના અનુમાન પ્રમાણે એનએસઈ નિફટીના 10100ની સપાટી અકબંધ રહી હોવાથી બજાર આગામી અઠવાડિયે ટૂંકા ગાળે અથડાશે. આંતરરાષ્ટ્રીય ઘટનાઓના મોટા આંચકા સિવાય ક્ષેત્રવાર ચુનંદા શૅરમાં નવી ખરીદી જોવાશે. જોકે, હવે પછીના ગાળા માટે સારા ફંડામેન્ટલ ધરાવતા શૅરની ખરીદી કરવી જરૂરી બનશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer