કીમતી ધાતુઓમાં વધઘટ અટકી જતાં સુસ્તી

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ.તા. 16 : અમેરિકાની નાણાનીતિ અને ટેક્સ ક્ષેત્રના સુધારાની રાહે સોના-ચાંદી બજારમાં તેજી-મંદી અટકી ગઇ હતી. અમેરિકાના ફુગાવાના આંકડાઓ ગઇકાલે ખાસ કંઇ પ્રોત્સાહક આવ્યા નથી. એ કારણે વ્યાજદર વધશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા સર્જાઇ છે. વ્યાજદર ડિસેમ્બરમાં વધે તો સોનાનો ભાવ 1260 સુધી નીચો આવી જાય તેવી શક્યતા અભ્યાસુઓ બતાવી રહ્યા છે. નવેમ્બર મહિનામાં સોનું 25 ડૉલરની વધઘટે અથડાઇ ગયું છે. 1290 ઉપર જઇ શકતું નથી. 
અમેરિકી સેનેટ અને હાઉસ પ્રવર્તમાન સમયે ટ્રમ્પના વહીવટી વિભાગમાં ટૅક્સ કાપના સુધારા લાગુ કરવા મથામણ કરી રહ્યા છે. ફુગાવો સ્થિર જેવો છે. બીજી તરફ બેરોજગારી ઘટી રહી છે અને આર્થિક વિકાસ કદાચ એ કારણે વધશે એવી ધારણા વચ્ચે સોનામાં તેજી-મંદી અટકી હોવાનું વિશ્લેષકો માની રહ્યા છે. હવે બજારનું ફોકસ ડિસેમ્બર મહિનામાં યોજાનારી ફેડની બેઠક પર રહેશે. માગના પરિપેક્ષ્યમાં વાત કરીએ તો ચીનમાં ફિઝીકલ ખરીદી સારી છે. બીજી તરફ ભારત જેવી મોટી બજારમાં ઝવેરાતની લેવાલી સાવ ઘટી ગઇ છે.
દરમિયાન રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂા. 100ના ઘટાડામાં રૂા. 40,200 હતો. મુંબઇમાં રૂા. 130ના ઘટાડામાં રૂા. 29,595 હતું. ન્યૂ યોર્કમાં ચાંદીનો ભાવ 17.01 ડૉલર હતો. ચાંદી એક કિલોએ રૂા. 100 ઘટીને રૂા. 30,450 રહી હતી. મુંબઇમાં રૂા. 130ના ઘટાડામાં રૂા. 39,575 હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer