માલના ભાવિ સપ્લાય સામે લેવાયેલા ઍડવાન્સ ઉપર જીએસટી લાગુ નહીં પડે

માલના ભાવિ સપ્લાય સામે લેવાયેલા ઍડવાન્સ ઉપર જીએસટી લાગુ નહીં પડે
નવી દિલ્હી, તા.16 : ભવિષ્યમાં માલની સપ્લાય કરવા માટે લીધેલા એડવાન્સ પર ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) લાગુ પડશે નહીં, એમ સરકારે પરિપત્ર દ્વારા જાહેર કર્યું છે. આ પગલાથી ઉદ્યોગમાં ફાજલ સ્ટોકની સમસ્યા દૂર કરશે, તેમ જ સપ્લાય ઉપર કર જવાબદારીની મૂંઝવણ દૂર થશે અને સપ્લાય ચેઈન સરળ બનશે.
જીએસટી કાઉન્સિલે આ સંદર્ભે ગયા સપ્તાહે નિર્ણય લીધા બાદ કેન્દ્ર સરકારે એડવાન્સમાં જીએસટી બાકાત રાખવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારો જીએસટી કાયદા અંતર્ગત આ અધિસૂચના જાહેર કરવાની પ્રક્રિયામાં છે. કેન્દ્રના પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વેપારોએ ફક્ત સપ્લાયના સમયે સેન્ટ્રલ જીએસટી (સીજીએસટી) ચૂકવવાનો રહેશે. 
આ નોંધપાત્ર રાહત છે, જેની ઉદ્યોગ રાહ જોતી હતી. પહેલાના વેલ્યુ-એડેડ ટેક્સ (વૅટ) પ્રણાલીમાં માલના એડવાન્સ પર કર લાગતો નહોતો પરંતુ જીએસટી અંતર્ગત અત્યાર સુધી લાગુ હતો. માલની રસીદ પછી જ ઈનપુટ ક્રેડિટ મળતી હોવાથી ઉદ્યોગની કાર્યકારી મૂડી અટકેલી રહેતી હતી, એમ પીડબ્લ્યૂસી ઈન્ડિયાના પરોક્ષ કરના લીડર અને પાર્ટનર પ્રતીક જૈને જણાવ્યું હતું. જોકે, સર્વિસના એડવાન્સ પર જીએસટી લાગુ છે, જે ભૂતપૂર્વ સર્વિસ ટેક્સમાં પણ લાગુ હતો, એમ જૈને ઉમેર્યું હતું.
અગાઉ, ફક્ત ત્રિમાસિક ધોરણે રિટર્ન ભરનારા નાના વેપારોને જ એડવાન્સમાં જીએસટીની છૂટ હતી, જોકે, હવે દરેક વેપારને આ લાભ મળશે. 
આ રાહતથી અનુપાલન અને કાર્યકારી મૂડી રોકાણ એમ બંને રીતે વેપારને ફાયદો થશે, એમ ઈવાય ઈન્ડિયાના કર નિષ્ણાત અભિષેક જૈને જણાવ્યું હતું. 
જીએસટી કાઉન્સિલની ગુવાહાટી ખાતેની 23મી મિટિંગમાં આ વિશે નિર્ણય લેવાયા બાદ બુધવારે સરકારે સૂચનાપત્ર જાહેર કર્યું હતું. 177 ચીજ-વસ્તુઓને 28 ટકાના કર માળખાથી 18 ટકાના કર માળખામાં મૂકવામાં આવ્યા છે. તેમ જ અન્ય 54 ચીજ-વસ્તુઓ પર કર ઘટાડવાનો નિર્ણય લેવાયો છે. 
હવે સૌથી વધુ 28 ટકાના કર માળખામાં લક્ઝરી અને વ્યસનની ચીજો જેવી કે પાન મસાલા, ઠંડાં પીણાં, સિગાર, સિગારેટ, તંબાકૂ પ્રોડકટ્સ, સિમેન્ટ, પેઈન્ટ્સ, પરફ્યૂમ, એર-કંડીશનર્સ, ડિશ વોશિંગ મશીન, વોશિંગ મશીન, રેફ્રિજરેટર્સ, વેક્યુમ ક્લિનર, કાર, ટુ-વ્હિલર, એરક્રાફ્ટ અને યાટનો સમાવેશ છે.
તેમ જ કાઉન્સિલે રૂા.7500 જેટલા ચાર્જ કરતી ફાઈવ-સ્ટાર હોટેલ્સને બાદ કરતાં તમામ અન્ય રેસ્ટોરન્ટના કર 18 ટકાથી ઘટાડીને પાંચ ટકા કર્યો છે.
નાણાપ્રધાન અરુણ જેટલીએ દરમાં ઘટાડો કરીને આ ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવાનું વેપારોને કહ્યું હતું. કર દરમાં સુંયોજનની પ્રક્રિયા હંમેશાં ચાલતી રહેશે. આજે દરેક કરપાત્ર વ્યક્તિ કહેશે કે તેમની પાસે મોટું બજાર છે અને વધુ વાજબી કરના દર છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે દરમાં ઘટાડો કરવાથી મહેસૂલ પર અસર પડશે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer