વરસાદના વિધ્ન વચ્ચે લકમલ ત્રાટકયો : ભારતનો ધબડકો

વરસાદના વિધ્ન વચ્ચે લકમલ ત્રાટકયો : ભારતનો ધબડકો
શ્રીલંકા વિ.ના કોલકાતા ટેસ્ટના પ્રારંભિક દિવસે માત્ર 11.પ ઓવરની રમત શકય બની
કોલકતા, તા.16: વરસાદના વિઘ્ન વચ્ચે શરૂ થયેલા શ્રીલંકા વિરૂધ્ધના પહેલા ટેસ્ટમાં ઇડન ગાર્ડનની ગ્રીન ટોપ વિકેટ પર સુરંગા લકમલની આગઝરતી બોલિંગ સામે ભારતે નબળો પ્રારંભ કરીને 17 રનમાં ટોચની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આજે પૂરા દિવસમાં માત્ર 11.પ ઓવર ફેંકાઇ હતી. જેમાં લકમલના કહેર સામે ભારતે કેએલ રાહુલ (0), શિખર ધવન (8) અને સુકાની વિરાટ કોહલી (0)ની વિકેટ ગુમાવી દીધી હતી. સુરંગા લકમલે અદભૂત ઝડપી બોલિંગનું પ્રદર્શન કરીને એક પણ રન આપ્યા વિના ભારતની આ ત્રણેય વિકેટ ઝડપીને સનસનાટીભર્યોં પહેલા ટેસ્ટનો પ્રારંભ કરાવ્યો હતો. ઝાંખા પ્રકાશને લીધે રમત જયારે વહેલી બંધ રહી ત્યારે ચેતેશ્વર પુજારા 8 અને અંજ્કિયા રહાણે શૂન્ય પર નોટઆઉટ રહયા હતા.
વરસાદને લીધે આજે લંચ બાદ 1-00 વાગ્યે ટોસ ઉછાળવામાં આવ્યો હતો. શ્રીલંકાએ ટોસ જીતીને ઇડન ગાર્ડની ઘાસવાળી વિકેટ પર બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે આ પછી તુરત મેચ શરૂ થઇ શકયો ન હતો. પણ જ્યારે શરૂ થયો ત્યારથી ભારતની વિકેટ પડવાની શરૂઆત થઇ હતી. મેચના પહેલા દડા પર જ રાહુલ વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો. રાહુલના આઉટ થયા બાદ ચેતેશ્વર પુજારા 20 દડા સુધી ખાતું ખોલાવી શકયો ન હતો. જો કે પુજારા અને શિખરની જોડી જામે તે પહેલા લકમલ ફરી ત્રાટકયો હતો અને શિખરને 8 રને કલીન બોલ્ડ કર્યોં હતો. 13 રને બીજી વિકેટ પડયા બાદ બધો આધાર સુકાની કોહલી પર હતો, પણ લકમલે તેને પણ નિશાન બનાવીને ઝીરોમાં એલબીડબ્લયૂ આઉટ કર્યોં હતો. આ પછી ઝાંખા પ્રકાશને લઇને રમત અટકી ગઇ હતી. બાદ અમ્પાયરે પહેલા દિવસની રમત સમાપ્ત જાહેર કરી હતી. લકમલે 6 ઓવરમાં એક પણ રન આપ્યા વિના ભારતની ત્રણેય વિકેટ લીધી હતી. ભારતે તેની ઇલેવનમાં ત્રીજા ઝડપી બોલર તરીકે ભુવનેશ્વરને સ્થાન આપ્યું હતું.
સ્કોરબોર્ડ: ભારત: કેએલ રાહુલ કો. ડિકવેલે બો. લકમલ 0, શિખર ધવન બોલ્ડ લકમલ 8, ચેતેશ્વર પુજારા નોટઆઉટ 8, વિરાટ કોહલી એલબીડબ્લયૂ લકમલ 0, અંજિકયા રહાણે નોટઆઉટ 0, વધારાના 1, કુલ 11.પ ઓવરમાં 3 વિકેટે 17 રન.
વિકેટ ક્રમ: 0, 13 અને 17
બોલિંગ: સુરંગા લકમલ: 6-6-0-3, લાહિરૂ ગમાંગે: પ.પ-1-16-0
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer