સરકાર પાસે ખેડૂતો માટે પૈસા નથી, પરંતુ વિધાનસભ્યોને ખરીદવાના કરોડો રૂપિયા છે!

શિવસેનાના હર્ષવર્ધન જાધવના આક્ષેપો બાદ સંજય રાઉતે આ પ્રકરણે તપાસની માગણી કરી
મુંબઈ, તા.16 (પીટીઆઇ) : શિવસેના ટેકો ખેંચી લેશે તો પણ મહારાષ્ટ્ર સરકાર ટકી રહેશે એવા દાવા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને તેમના પ્રધાનો તેમ જ ભાજપ તરફથી થઇ રહ્યા છે, પરંતુ શિવસેના ટેકો ખેંચી લેશે તો સરકાર કેમ ટકશે એનો જવાબ તેમની પાસે નથી. ખેડૂતોની કરજ માફી માટે સરકાર પાસે પૈસા નથી પરંતુ શિવસેનાના વિધાનસભ્યોને પાંચ કરોડ રૂપિયામાં ખરીદવાના પૈસા કયાંથી આવ્યા છે? એવી સણસણતી ટીકા અને સવાલ શિવસેના તરફથી રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે કર્યો છે.
બુધવારે શિવસેનાના વિધાનસભ્ય હર્ષવર્ધન જાધવે દાવો કર્યો હતો કે ભાજપ શિવસેનાના પચીસ જેટલા વિધાનસભ્યોને તોડવા માગે છે અને મને મહારાષ્ટ્રના મહેસૂલ પ્રધાન ચંદ્રકાંત પાટીલે પાંચ કરોડ રૂપિયાની અૉફર કરી હતી. રાઉતે આ મામલે ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે સરકાર પારદર્શીતાના દાવા તો કરે છે પરંતુ તેમાં સચ્ચાઇ નથી. આ કેસની તપાસ થવી જોઇએ. શું સરકાર આ મામલે ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, કેન્દ્રીય તપાસ સંસ્થા કે એન્ટિ કરપ્શન બ્યૂરોને તપાસ સોંપશે, જેથી સાચી વાત બહાર આવે. ભાજપ પાસે કાળાં નાણાં છે, તેની તપાસ પણ થવી જોઇએ.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer