આપે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે નવ ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી

અમદાવાદ, તા. 16 (પીટીઆઈ) : આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે તેના ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી હતી આ વખતે તેણે નવ બેઠકો માટેના ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં હતાં. અગાઉ એક મહિના પહેલાં તેણે 11 બેઠકો માટેના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.
આ સાથે અરવિંદ કેજરીવાલની `આપે' કુલ 182 બેઠકોમાંથી 20 બેઠકો માટેના ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં હતાં. ગુજરાતમાં 9 અને 14 ડિસેમ્બરના ચૂંટણી યોજાવાની છે અને 18 ડિસેમ્બરનાં પરિણામ જાહેર થશે. બીજી યાદી પ્રમાણે આપે ગાંધીનગર (નોર્થ), બોટાદ, કતારગામ, રાજકોટ (ઈસ્ટ), સુરત (ઈસ્ટ), કરંજ, પાલનપુર, ગાંધીધામ અને જામનગર (ગ્રામ્ય)ની બેઠકો પરથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે, એમ પક્ષના પ્રવક્તા હર્ષિલ  નાયકે જણાવ્યું હતું.
આમાંની ત્રણ બેઠકો રાજકોટ (ઈસ્ટ), પાલનપુર અને જામનગર (ગ્રામ્ય) હાલ કૉંગ્રેસ પાસે છે બાકીની છ ભાજપ પાસે છે.
આ બેઠકો પરથી આપના જે ઉમેદવારો ચૂંટણી લડવાના છે તેના નામ આ પ્રમાણે છે: ગુણવંત પટેલ (ગાંધીનગર-નોર્થ), જીલુભાઈ બવાલિયા (બોટાદ), નાગજીભાઈ અંબાલિયા (કતારગામ), અજિત લોખીલ (રાજકોટ-પૂર્વ), સલિમ મુલ્તાની (સુરત-ઈસ્ટ), જિગ્નેશ મહેતા (કરંજ), રમેશ નભાની (પાલનપુર), ગોવિંદ દનિયા (ગાંધીધામ) અને પરેશ ભાંડેરી (જામનગર-ગ્રામ્ય).
આપે બાપુનગર બેઠક માટે અગાઉ જાહેર કરેલા ઉમેદવારને બદલ્યો હતો. કારણ કે તેમની સામે ફરિયાદો મળી હતી. અગાઉ બાપુનગર ખાતે અનિલ વર્માનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. હવે તેને બદલે અમજદ પઠાણને ઊભા રાખવામાં આવ્યા છે, એમ નાયકે વધુમાં જણાવ્યું હતું.
યાદી મુજબ ઉમેદવારોમાં વિવિધ ક્ષેત્રોના લોકોનો સમાવેશ થાય છે. એમાં વેપારીઓ, શિક્ષણ શાત્રીઓ, સામાજિક કાર્ય કરો, ભૂતપૂર્વ કૉર્પોરેટ, વકીલ વગેરેનો સમાવેશ કરાયો છે. અગાઉ આપે 11 બેઠકો પરના ઉમેદવારોની યાદી બહાર પાડી હતી. આ બેઠકો બાપુનગર, ઊંજા, રાજકોટ (વેસ્ટ), દાણીલીમડા, લાઠી, છોટા ઉદેપુર, પાદરા, કરજણ, પારડી, ગોંડલ અને કામરેજ છે.
આપે જણાવ્યું હતું કે, વધુ ઉમેદવારોનાં નામ જાહેર કરાશે. જોકે, પક્ષ તમામ 182 બેઠકો પરથી ચૂંટણી લડશે નહિ.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer