પ્લાસ્ટિક મુક્ત મહારાષ્ટ્ર મિશનની શરૂઆત મંત્રાલયથી : રામદાસ કદમ

પ્લાસ્ટિક મુક્ત મહારાષ્ટ્ર મિશનની શરૂઆત મંત્રાલયથી : રામદાસ કદમ
સરકારી કચેરીઓમાં પાણીની પ્લાસ્ટિકની બૉટલો પર પ્રતિબંધની વિચારણા 
મુંબઈ, તા.16 : પ્લાસ્ટિક મુક્ત મહારાષ્ટ્ર મિશનની શરૂઆત રાજ્ય સરકારે મંત્રાલયથી જ કરાશે. રાજ્યના પર્યાવરણ પ્રધાન રામદાસ કદમે એક ટીવી સમાચાર ચેનલને જણાવ્યું હતું કે પહેલા મંત્રાલયમાં પાણી માટેની પ્લાસ્ટિકની બૉટલો પર પ્રતિબંધ આવશે અને ત્યાર બાદ રાજ્યભરની તમામ સરકારી અૉફિસોમાં પ્લાસ્ટિકની પાણીની બૉટલો તેમ જ પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મુકાશે. કદમે કહ્યું હતું કે પર્યાવરણ વિભાગની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. 
તેમના જણાવ્યા પ્રમાણે દૂધ, તેલ અને દવાઓ સહિતની વસ્તુઓની ખરીદી માટે પ્લાસ્ટિકની બૅગ વાપરવામાં આવે છે તેનો વિકલ્પ વિચારાધીન છે. સરકાર મહિલા બચત પેઢીઓને કપડાની થેલીઓ બનાવવા માટે આર્થિક મદદ કરશે. 
આ કાનૂનનું પાલન નહીં કરનારા હૉટેલ સહિતનાં કમર્શિયલ સંકુલો અને વેપારીઓ પર ફોજદારી રાહે કાર્યવાહીની પણ વિચારણા કરાઇ રહી છે. આવા નિયમભંગ બદ્દલ 3થી 6 મહિનાની જેલ અને વેપાર-ઉદ્યોગના લાઇસન્સ રદ્દ કરવા સુધીની જોગવાઇઓ કરવામાં આવશે.
મે '18થી હૉટેલોમાં પ્લાસ્ટિકની બોટલમાં પાણી નહીં મળે
મહારાષ્ટ્રને પ્લાસ્ટિકમુક્ત બનાવવા રાજ્ય સરકાર યુદ્ધના ધોરણે પગલાં લઈ રહી છે. એટલે જ મે 2018ની શરૂઆતથી હૉટેલોમાં મિનરલ વૉટર પ્લાસ્ટિકની બોટલોમાં નહીં પણ તેના બદલે કાચની બોટલોમાં અપાશે. આ પ્રતિબંધ રેસ્ટૉરન્ટ્સ સુધી લંબાવાશે.આ મુદ્દે આજે રાજ્યના પર્યાવરણ ખાતાના પ્રધાન રામદાસ કદમ અને સિનિયર અધિકારીઓ સાથે ચર્ચા કરવા બેઠકોની શૃંખલા યોજવામાં આવી છે.
આમ હૉટેલોમાં મિનરલ પાણી માટે પ્લાસ્ટિક બોટલોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે સામાન્ય ગ્રાહકો માટે પાણી પ્લાસ્ટિક બોટલોમાં ખરીદવાની છૂટ હજુ વધુ સમય માટે અપાશે. આ સાથે રાજ્ય સરકારની દૂધના પેકેજો માટે પોલીથેલીનની થેલીઓમાં ઉપયોગ નહીં કરવા દેવાની યોજના છે. એટલે ડેરી ઉત્પાદકોને આ માટે કાચની બોટલોનો ઉપયોગ કરવા અથવા છૂટું દૂધ વેચવાની સલાહ અપાઈ રહી છે.
આ પ્રતિબંધ વિશે પાલિકાના સંબંધિત સત્તાવાળાઓ દેખરેખ રાખશે.
આ કાયદાનો ભંગ કરનારાના લાઈસન્સ રદ કરાશે. માર્ચ 2018માં ગુડી પડવાના દિવસથી આ પ્રતિબંધ મૂકવાની જાહેરાત કદમે કરી છે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer