કેન્દ્રની ભાજપ સરકારને રાહુલની બદલાતી ઈમેજનો ભય : શરદ પવાર

કેન્દ્રની ભાજપ સરકારને રાહુલની બદલાતી ઈમેજનો ભય : શરદ પવાર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : કેન્દ્રમાં ભાજપની સરકારને કૉંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીની બદલાતી ઈમેજનો ડર લાગે છે. તેથી ગાંધી પરિવારને બદનામ કરવા માટે બોફોર્સ જેવા જૂનાં પ્રકરણો ખોલવાનો પ્રયત્ન ભાજપ સરકાર કરે છે એમ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવારે જણાવ્યું છે.
ચંદ્રપુર ખાતે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના કાર્યકરોને સંબોધતા પવારે જણાવ્યું હતું કે રાહુલની બદલાતી ઈમેજથી ભયભીત થઈને ગાંધી પરિવારને બદનામ કરવા માટે બોફોર્સનો કેસ ખોલવાની તૈયારી મોદી સરકારે કરી છે. બોફોર્સ કેસમાં રાજીવ ગાંધીને અદાલતે નિર્દોષ જાહેર કર્યો છે. રાજીવ ગાંધી હવે હયાત પણ નથી. વધુમાં જે ઈટાલિયન વ્યક્તિને ઠપકો આપવામાં આવ્યો હતો તે પણ હવે મૃત્યુ પામ્યા છે. આમ છતાં હવે ફરી બોફોર્સ કેસ ફરી ખોલીને ગાંધી પરિવારને બદનામ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. રાજીવ ગાંધી દૂરદૃષ્ટિ ધરાવતા નેતા હતા. તેમણે દેશને વિકાસના પંથે આગળ ધપાવ્યો હતો. ભૂતપૂર્વ વડા પ્રધાનો પંડિત જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધીએ પણ ગરીબીને હટાવવા માટે કામ કર્યું હતું. સત્તાનો ઉપયોગ ગરીબો માટે કેવી રીતે કરવો તે ગાંધી પરિવારે કરી બતાવ્યું છે એમ પવારે ગાંધી પરિવારના વખાણ કરતા ઉમેર્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer