જીએસટીને જુલાઈમાં લાગુ કરવાનો નિર્ણય ખોટો : યશવંત સિંહા

જીએસટીને જુલાઈમાં લાગુ કરવાનો નિર્ણય ખોટો : યશવંત સિંહા
સુરતમાં ભૂતપૂર્વ નાણાપ્રધાનના કેન્દ્ર પર આકરા પ્રહારો
સુરત તા. 16 : લોકશાહી બચાવો અભિયાન અંતર્ગત ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન યશવંત સિંહા આજે સુરતમાં આવીને લોકોને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનો જીએસટીને લાગુ કરવા માટે જે સમયગાળો પસંદ કરાયો હતો તે તદન ખોટો હતો. તેમજ જીએસટીને ખોટી રીતે લાગુ કરાયો છે. જીએસટી એક સારો કાયદો છે પરંતુ, તેની અમલવારીમાં અનેક ખામીઓ અને છીંડા છે. કેન્દ્ર સરકારનો નોટબંધીનો નિર્ણય પણ લોકો પર થોપી દેવાયો હતો. નોટબંધીથી દેશને કોઈ ફાયદો થયો નથી ઉલ્ટુ લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો અને દેશ કેસલેસ બની ગયો હતો. 
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને શાસક પક્ષ ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા સતત પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન યશવંત સિંહાએ પણ ચૂંટણીને લઈને લોકોને જાગૃત્ત કરવાની દિશામાં કામ આરંભ્યું છે. ચાલુ સપ્તાહે યશવંત સિંહાએ અમદાવાદ અને રાજકોટમાં મળ્યા બાદ આજે રાજ્યની આર્થિક રાજધાની સુરત આવી પહોંચ્યા હતાં. નાનપુરાસ્થિત ગાંધીસ્મૃતિ હોલમાં ઉપસ્થિત 400ની આજુબાજુ લોકોને સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે કેન્દ્ર સરકારની નીતિ અને રીતિની આકરી આલોચના કરી હતી.
કેન્દ્ર સરકારનાં નોટબંધી અને જીએસટીનાં નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. લોકોને સંબોધનમાં કહ્યુyં હતું કે, હવે ચૂપ બેસી રહેવાનો સમય નથી. લોકોએ જાગૃત્ત થવાનો સમય પાકી ગયો છે. લોકોએ પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ. લોકો પોતાનો અવાજ મત પેટી થકી પણ ઉઠાવી શકે છે. યશવંતસિંહાએ ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપતાં કહ્યું હતું કે, જીએસટીની નિષ્ફળતાથી કેન્દ્રની પોલ ખુલી ગઈ છે. કેન્દ્ર સરકારનાં સાડા ત્રણ વર્ષનાં શાસનમાં સામાન્ય લોકોની મુશ્કેલીઓ ઘટનાને બદલે વધી છે. કેન્દ્ર સરકારની શાસન કરવાની ખોટી રીત લોકો સામે છતી થઈ છે. લોકોએ હવે ચૂપ રહેવાને બદલે પોતાનો અવાજ બુલંદ કરવાની જરૂરિયાત છે. 
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer