ભાજપની દાનત ખુલ્લી પડી : સચીન પાયલોટ

ભાજપની દાનત ખુલ્લી પડી : સચીન પાયલોટ
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 16 : રાજ્યની વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ઝડપથી આગળ વધી રહ્યો છે. વિરોધ પક્ષ કૉંગ્રેસે રાજ્યભરમાં તેનાં ટોચનાં નેતાગણને પ્રચાર માટે ઉતારી દીધા છે. આજરોજ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કૉંગ્રેસનાં યુવા નેતા સચીન પાયલટ શહેરમાં ડોર-ટુ-ડોર પ્રચાર માટે આજે પધાર્યા હતાં. જ્યાં એક મુલાકાત દરમિયાન તેમણે શાસકપક્ષ ભાજપની દાનત લોકો સમક્ષ ખુલ્લી પડી હોવાનો દાવો કર્યો હતો. તેમ જ 18મી ડિસેમ્બરે રાજ્યમાં કૉંગ્રેસ સરકાર બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 
સચીન પાયલટે મુલાકાતમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. જીએસટી અને નોટબંધી જેવા અણઘડ નિર્ણયોથી દેશનાં અર્થતંત્રને ફટકો પહોંચ્યો હોવાનું કહ્યું હતું. તેમણે મોદી સરકાર પર આર્થિક આતંક ફેલાવવાનો આરોપ મૂક્યો હતો. રાજ્યની જનતા હવે જાગી ચૂકી છે. કૉંગ્રેસ સામાન્ય જનધન સુધી આ વાત પહોંચાડશે. જે માટે ડોર-ટુ-ડોર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યુ હતું કે, કૉંગ્રેસનાં ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને ગુજરાતમાં પ્રચાર કરતી વખતે ઘણો સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. જે આવનારા દિવસોમાં મતમાં કન્વર્ટ થશે તેમાં કોઈ બેમત નથી.  યુવાઓ સાથે સંવાદ દરમિયાન સચીન પાયલોટે બેરોજગારી મુદે્ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને આડે હાથે લીધી હતી. ભાજપે તેનાં ચૂંટણી ઢંઢેરામાં બે કરોડ લોકોને નોકરી આપવાનું વચન આપ્યું હતું. વડા પ્રધાન મોદીએ દરેકનાં ખાતામાં પંદર લાખ જમા કરાવવાનો વાયદો કર્યો હતો. આવા વાયદાઓ કરીને લોકોમાં મનમાં ભ્રમ પેદા કર્યો હતો. જે ભ્રમ હવે તૂટી ગયો છે. તેમણે અનામત મુદે્ સીધી રીતે કાંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. પાટીદારોની અનામત માગ મુદે્ કૉંગ્રેસનું સ્ટેન્ડ શું છે તે પ્રશ્ને કોઈ ઉત્તર આપ્યો ન હતો. જોકે, આ બાબતે કાનૂની સલાહકાર સમિતિ અને કૉંગ્રેસ કમિટી નક્કી કરશે તેવું કહ્યું હતું.  
ડોર-ટુ-ડોર પ્રચારમાં સુરતમાં સચીન પાયલોટ પર ફેંકાઈ પત્રિકા
આજરોજ શહેરનાં ભાજપ મતવિસ્તારમાં કૉંગ્રેસનાં નેતા સચીન પાયલટ ઉપર કેટલાક લોકોએ પત્રિકાઓ ફેંકીને વિરોધ કર્યો હતો. સુરત શહેરનાં કૈલાશનગર વિસ્તારમાં સચીન પાયલટ કૉંગ્રેસનાં કાર્યકરો સાથે પ્રચાર અર્થે આવ્યા હતાં. જ્યાં કેટલાક લોકોએ તેમને કાળા-વાવટા દેખાડયા હતાં તો ડોર-ટુ-ડોર સંપર્ક વખતે આપેલી કૉંગ્રેસની પત્રિકા કેટલાક લોકોએ સચીન પાયલટ ઉપર ફેંકી હતી. તેમ જ રાજસ્થાનમાં કૉંગ્રેસની સરકાર વખતે કોઈ વિકાસ થયો ન હતો. તે અંગે સૂત્રોચ્ચાર કર્યો હતો. તેમ જ પદ્માવતી ફિલ્મને લઈને રાજસ્થાની લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. જોકે, આ મુદે્ સચીન પાયલટે ભાજપનાં લોકો આ પ્રકારનાં કૃત્યો કરી રહ્યા હોવાનું કહ્યું હતું. ભાજપની સત્તા હવે જવાનો સમય પાકી ગયો હોવાથી તેઓ હવાતિયા મારી રહ્યા છે. પત્રિકાઓ ફેંકી કે કાળાવાવટા દર્શાવીને લોકોને પોતાની સાચી છબી દેખાડી રહ્યા છે.
 
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer