ઇન્ટરેસ્ટ સબસિડી માટે પાત્રતા ધરાવતાં ઘરોનો કાર્પેટ એરિયા વધારાયો

ઇન્ટરેસ્ટ સબસિડી માટે પાત્રતા ધરાવતાં ઘરોનો કાર્પેટ એરિયા વધારાયો
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 16 : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મિડલ ઈન્કમ ગ્રુપ માટે ક્રેડિટ લિન્કડ સબસિડી સ્કીમ (સીએલએસએસ)ની ઈન્ટરેસ્ટ સબસિડી માટે પાત્રતા ધરાવતા આવાસોના કાર્પેટ એરિયામાં વધારાને કૅબિનેટે મંજૂરી
આપી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ મળેલી કેન્દ્રીય કૅબિનેટની બેઠકમાં આ મંજૂરી આપવામાં આવી હતી. આ સ્કીમનો વ્યાપ અને તેની પહોંચ વધારવા કૅબિનેટે નિમ્નલીખીત બાબતોને પણ મંજૂરી આપી હતી.
સીએલએસએસની એમઆઈજી  વન કેટેગરીમાં હાલના 90 ચોરસમીટરના કાર્પેટ એરિયાને વધારીને 120 ચોરસમીટર કરવામાં આવ્યો છે એવી જ રીતે એમઆઈજી (ટુ) કેટેગરીમાં 110 ચોરસમીટરના કાર્પેટ એરિયાને વધારીને 150 ચોરસ મીટર કરવામાં આવ્યો છે. આ ફેરફાર 1-1-2017થી અમલી બનેલો ગણાશે.
શહેરોમાં આવાસની અછતના પડકારને પહોંચી વળવા આ પગલું ભરવામાં આવ્યું છે. મધ્યમ વર્ગ ઈન્ટરેસ્ટ સબસિડીની સ્કીમનો લાભ લઈ શકે એવો પણ હેતુ છે.
એમઆઈજી માટેના સીએલએસએસમાં વાર્ષિક ધોરણે એમઆઈજીના બે સેગ્મેન્ટસને આવરી લેવામાં આવ્યા છે. રૂપિયા 6,00,001થી રૂપિયા 12,00,000 (એમઆઈજી-વન) અને રૂપિયા 12,00,001થી રૂપિયા 18,00,000 (એમઆઈજી-ટુ).
એમઆઈજી (1)માં રૂપિયા 9 લાખ સુધીની લોન માટે 4 ટકાની ઈન્ટરેસ્ટ સબસિડી જ્યારે એમઆઈજી (ટુ)માં રૂા. 12 લાખ સુધીની લોન માટે 3 ટકાની ઈન્ટરેસ્ટ સબસીડી પૂરી પાડવામાં આવશે.
કાર્પેટ એરિયા વધતાં એમઆઈજી-વન કેટેગરીના ગ્રાહકોને ડેવલપર્સના પ્રોજેક્ટસમાં વિશાળ પસંદગી મળી શકશે તેમ જ પરવડી શકે તેવા આવાસોના સેગ્મેન્ટમાં તૈયાર ફ્લૅટોનાં વેચાણને પણ વેગ મળશે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer