ટ્રાફિક સમસ્યા : BKCની અૉફિસો કામના કલાકોમાં ફેરફાર કરે છે

મુંબઈ, તા. 17 : બાંદરા કુર્લા કોમ્પ્લેકસ (બીકેસી)ના રસ્તાઓ પર સવારના ધસારાના સમયે રોજેરોજ ટ્રાફિકની જે ગીચતા સર્જાતી રહે છે તે સમસ્યા હળવી કરવા કેટલીક બીકેસીની અૉફિસોએ તેના કામકાજના કલાકોમાં ફેરબદલ કરી છે.
આ બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં આવેલ ઘણીખરી અૉફિસો સવારે 9.30 વાગે ખુલી જતી હોય છે. આવી જ કંઈક સ્થિતિ તેની બાજુમાં જોડાયેલા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, એલબીએસ માર્ગ અને સાંતાક્રુઝ - ચેમ્બુર લીન્ક રોડ પર પણ સર્જાતી રહે છે. એક અંદાજ પ્રમાણે રોજ નોકરિયાત વર્ગ સહિતના 6.5 લાખ લોકોની બીકેસીમાં આવન-જાવન રહેતી હોય છે.વધારાના મેટ્રોપોલિટન કમિશનર પ્રવિણ ડર્ડેના જણાવ્યા મુજબ થોડી અૉફિસો તેઓના કામકાજના સમયપત્રક બદલી શકે છે. એટલે કે કામકાજની શરૂઆત સવારના 8 વાગે શરૂ કરે તો અન્ય બીજી કંપનીઓ કામકાજનો સમય પાછળ ઠેલી 10 વાગ્યાનો રાખી શકે છે. આમ કામકાજના સમયપત્રકમાં ફેરફાર થકી રસ્તાઓ પર ટ્રાફિકનું દબાણ ઘટાડી શકાશે. ટ્રાફિક હળવો કરવા એમએમઆરડીએ અને `બેસ્ટે' ઝડપી આવન-જાવન માટે બસ માટે માર્ગનો પ્રયોગ કરી જોયો છે. જોકે, આ સમર્પિત લેન સાથે જોડાયેલી પગદંડીના રિપેરનું કામકાજ થઈ રહ્યું છે. આથી આ પ્રયોગ હાલ અટકેલો છે.
કામકાજના સમયપત્રકમાં ફેરફારો કરવાની વ્યૂહરચના અગાઉના કેન્દ્રના રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ પણ સૂચવી હતી તો રેલ ઇન્ડિયન ટેક્નિકલ સર્વિસીસે માત્ર કામકાજના સમયપત્રકમાં ફેરફાર ઉપરાંત કેટલાક ક્ષેત્રો માટે અઠવાડિક રજાના સમયપત્રકને ફેરફાર કરવાનું સૂચન કર્યું હતું.
બીકેસીના પ્રોપર્ટી ઓનર્સ એસોસિયેશનના ચેરમેન જયેશ શાહે જણાવ્યું હતું કે કેટલીક અૉફિસોએ તેના નોકરિયાત વર્ગ માટે સમયપત્રકમાં ફેરફાર કર્યા છે. આમ સમયપત્રકમાં ફેરફાર કરવાની યોજનાને આવકારવામાં આવી રહી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer