ઇન્દિરા ગાંધીની જન્મશતાબ્દી નિમિત્તે વડા પ્રધાન સહિતના મહાનુભાવોએ આપી શ્રદ્ધાંજલિ

ઇન્દિરા ગાંધીની જન્મશતાબ્દી નિમિત્તે વડા પ્રધાન સહિતના મહાનુભાવોએ આપી શ્રદ્ધાંજલિ
નવી દિલ્હી, તા. 19 : રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને અનેક નેતાઓએ આજે ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીને તેમની 100મી જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી હતી. આજના દિવસે અલાહાબાદ ખાતે 1917ના ઇન્દિરા ગાંધીનો જન્મ થયો હતો.
‘ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને તેમની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ’ એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટવીટ કરતાં જણાવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવન તરફથી પણ ટ્વીટ કરીને પૂર્વ વડા પ્રધાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપતાં કૉંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે તમામ ભારતીયો ભારત માતાના એકસમાન સંતાનો છે એવા એક જ ધર્મમાં ઇન્દિરાજી માનતા હતા.
દરમિયાન કૉંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે દેશ અને સરકાર દ્વારા ઇન્દિરાની 100મી જન્મજયંતીની ઉજવણી નથી થતી તે શરમજનક બાબત છે.
ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને કૉંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ પણ ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રણવ મુખરજી, ડૉ. મનમોહન સિંઘ અને રાહુલ ગાંધીએ ‘શક્તિ સ્થળ’ માટે ઇન્દિરાજીના સ્મારક પર જઈને તેમને પુષ્પાંજલિ આપી હતી.
સફદરજંગ રોડ ખાતે એક કાર્યક્રમમાં પ્રણવ મુખરજીએ જણાવ્યું હતું કે ઇન્દિરાજીની સ્મૃતિને કોઈ ભૂંસી શકે નહીં.
ભાજપના સાંસદ વરુણ ગાંધીએ ઇન્દિરાજીને શ્રદ્ધાંજલિ આપતાં તેમને રાષ્ટ્રમાતા ગણાવ્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer