બીકેસીમાં યોજાયું પ્રોપર્ટી એક્ઝિબિશન ફ્લૅટોનું વેચાણ હવે વધવાની ડેવલપરોને આશા

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : મહારાષ્ટ્રમાં  રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી અૉથોરિટી ‘રેરા’નો અમલ શરૂ થવાને લીધે લોકો હવે ફ્લૅટો વિશ્વાસપૂર્વક ખરીદી શકશે એમ સંઘવી એસથ્રી ગ્રુપના ચૅરમૅન અને મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ સંઘવીએ જણાવ્યું છે.
બાંદરા (પૂર્વ)માં એમએમઆરડીએ ગ્રાઉન્ડ ખાતે ‘રેરા’ના અમલ પછી પ્રથમવાર પ્રોપર્ટી એક્ઝિબિશન યોજાયું હતું. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેની મુલાકાત લીધી હતી. આ પ્રદર્શનને પગલે હવે ફ્લૅટોના વેચાણમાં વધારો થશે એવી આશા ડેવલપરોને છે. નોટબંધી, ‘રેરા’ અને જીએસટીનો અમલ શરૂ થયા પછી ફ્લૅટોનાં વેચાણમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, હવે ફ્લૅટોનાં વેચાણમાં વધારો જોવા મળશે એવી આશા ડેવલપરોને છે. આ પ્રદર્શનનું આયોજન મહારાષ્ટ્ર ચેમ્બર અૉફ હાઉસિંગ ઈન્ડસ્ટ્રીસ તરફથી કરવામાં આવ્યું હતું.
આ પ્રદર્શનમાં અનેક બીલ્ડરોએ ફ્લૅટ ખરીદનારાઓને આકર્ષવા માટે જીએસટી, તેમ જ રજિસ્ટ્રેશન અને સ્ટેમ્પ ડયૂટીમાં રાહત આપવાની અૉફર કરી હતી.
એકમે બીલ્ડર દ્વારા ‘વન પ્રાઈસ એડવાન્ટેજ’નો કન્સેપ્ટ રજૂ કર્યો હતો, તેમાં બીલ્ડરને એક જ કિંમતમાં ફ્લૅટ અૉફર કરાય છે અને તેમાં કોઈ હીડન ચાર્જ હોતો નથી.
રુસ્તમજી બીલ્ડરના પ્રવક્તા કેવલ ઠક્કરે જણાવ્યું હતું કે આ પ્રદર્શનમાં અમને મળેલા પ્રતિસાદથી અમે સંતુષ્ટ છીએ. લોકોએ પ્રદર્શનની મુલાકાત લીધા પછી  વિગતો માટે અમારો સંપર્ક કરવાની શરૂઆત કરી છે. અમારા ઘણાં પ્રકલ્પો માટે ઓક્યુપેશન સર્ટિફિકેટ છે તેથી તેને જીએસટીમાંથી મુક્તિ મળેલી છે.
કેટલાક બીલ્ડરોએ સ્ટોલ ઉપર ‘વ્હીલ અૉફ ફોરચ્યુન’ રાખ્યું હતું. જેમાં ખરીદદારોને દુબઈનો પ્રવાસ તેમ જ બે બેડરૂમ હૉલ કિચન સાથે વિનામૂલ્યે એક બેડરૂમ હૉલ કિચનનો ફ્લૅટ જેવી અૉફરો કરાતી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer