ઘર ખરીદનારા નોટબંધીના બહાને ડેવલપર પાસેથી રિફન્ડ ન મેળવી શકે : મહા રેરા

ઘર ખરીદનારા નોટબંધીના બહાને ડેવલપર પાસેથી રિફન્ડ ન મેળવી શકે : મહા રેરા
મુંબઈ, તા.19 : ઘર ખરીદનારી વ્યક્તિ બીલ્ડરને સમયસર પૂરી રકમ ન ચૂકવી શકવાના કારણમાં નોટબંધીનું બહાનુ આપે તો ડેવલપરને મહા-રેરા (મહારાષ્ટ્ર-રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી અૉથોરિટી) અંતર્ગત રિફન્ડ માટેનો આદેશ આપી શકવાની જોગવાઇ નથી, એમ મહારેરા તરફથી જણાવાયું છે. આવા એક કેસની સુનાવણીમાં મહારેરા એ આવી સ્પષ્ટતા કરી હતી.
આ કેસ પ્રમાણે શત્રુંજય સિંહ નામના ઘર ખરીદનારે મહારેરામાં અરજી કરીને ડેવલપરને આપેલી બૂકિંગ રકમ પરત મેળવવાની માગણી કરી હતી. સિંહે કારણ દર્શાવ્યું હતું કે નોટબંધીના કારણે તે ડેવલપરને પૂરી રકમ આપી નહોતો શક્યો. મહારેરાએ આ કેસની સુનાવણીમાં કહ્યું હતું કે એક તો અમારી પાસે આવી કોઇ જોગવાઇ નથી ઉપરાંત બીલ્ડર કે ડેવલપરનો આમાં કોઇ દોષ ન હોવાથી તેમને રિફન્ડ માટે આદેશ ન આપી શકાય.
સિંહે અરજીમાં જણાવ્યું હતું કે મીરા રોડમાં ઇવોક આર્કેડ બિલ્ડિંગમાં ફ્લેટ બૂકિંગ માટે મેં 95,827 રૂપિયા ચૂકવ્યા હતા. પરંતુ અચાનક નોટબંધી લાદવામાં આવી તેથી ડેવલપરને સમયસર બાકીની રકમ હું ચૂકવી નથી શક્યો. મહારેરાએ તેની રજૂઆતને સાંભળ્યા બાદ કહ્યું હતું કે મહારેરામાં નોટબંધીના કારણે પેમેન્ટ ન ચૂકવી શકાયું હોય એવા કેસમાં રિફન્ડ માટે આદેશ કરવા સંબંધી કોઇ જોગવાઇ જ નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer