વેપારીઓ 20 નવેમ્બરથી જીએસટી રિટર્નસમાં એડિટિંગ કરી શકશે : જીઓએમ

વેપારીઓ 20 નવેમ્બરથી જીએસટી રિટર્નસમાં એડિટિંગ કરી શકશે : જીઓએમ
મુંબઈ, તા. 19 : જીએસટી નેટવર્ક વેપારીઓ માટે એક એવી સુવિધા પૂરી પાડશે જેમાં તેઓ અૉગસ્ટ અને સપ્ટેમ્બરના તેમના જીએસટીઆર-3બી રિટર્ન ફોર્મમાં 20 નવેમ્બરથી ફેરફારો (એડિટિંગ) કરી શકશે એમ બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલ મોદીએ શનિવારે જણાવ્યું હતું.
ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ નેટવર્ક (જીએસટીએન)ની ઇન્ફોર્મેશન ટેક્નૉલૉજી (આઈટી)ની સમસ્યાઓ તરફ ધ્યાન આપવા રચાયેલા ગ્રુપ અૉફ મિનિસ્ટર્સે (જીઓએમ) જણાવ્યું હતું કે હવે આ સિસ્ટમ સ્થિર થઈ રહી છે અને તેનું પ્રતિબિંબ રાજ્યોની આવકની અછતમાં આવેલા ઘટાડામાં પડે છે.
અૉગસ્ટમાં તમામ રાજ્યોની આવકની અછત 28.4 ટકા હતી તે ઘટીને અૉક્ટોબરમાં 17.6 ટકા થઈ હતી એમ જીઓએમની આગેવાની લેનારા સુશીલ મોદીએ જણાવ્યું હતું. અૉગસ્ટમાં આવકની અછત કે ઘટાડો રૂપિયા 12,208 કરોડનો હતો તે ઘટીને અૉક્ટોબરમાં રૂપિયા 7560 કરોડનો થઈ ગયો હતો.
આ ગ્રુપે ઇન્ફોસીસ સાથે પુન:સમીક્ષા બેઠક યોજી હતી અને તેના ચેરમેન નંદન નિલેકનીને મળ્યું હતું. ઇન્ફોસીસ આઈટી નેટવર્કનો અમલ કરી રહ્યું છે.
જીએસટીના અમલમાં ટેક્નિકલ અડચણોને કારણે ફાટી નીકળેલા રોષને પગલે જીઓએમનું સપ્ટેમ્બર મહિનામાં ગઠન કરવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં આ ગ્રુપે અવરોધોની એક યાદી તૈયાર કરી છે અને તેને ઠીક કરવાનું કાર્ય ઇન્ફોસીસને સોંપ્યું છે. કરવેરા અધિકારીઓ સાથે સંકલન કરવા ગ્રુપે ઇન્ફોસીસને તેના એન્જિનિયરોની ટીમમાં વધારો કરવાનું પણ જણાવ્યું છે.
‘આગામી દિવસોમાં કેવો ઝોક રહે છે તેનો અમે અભ્યાસ કરશું. ધીમે ધીમે આ સિસ્ટમ હવે સ્થિર થતી જાય છે’ એમ મોદીએ વધુમાં જણાવ્યું હતું.
જીઓએમે જોકે જણાવ્યું હતું કે ટેક્નૉલૉજી મંચ પર હજી પણ કેટલાક પડકારો ઊભા છે. સૌથી મોટી સમસ્યા ત્રણ મહિનાઓ માટે વેપારીઓને એડિટિંગની સુવિધા નહીં મળતી હોવાની છે.
ઓછામાં ઓછા બે લાખ કર્મચારીઓને અૉગસ્ટ, સપ્ટેમ્બર અને અૉક્ટોબરમાં મુશ્કેલીઓ ઊભી થઈ હતી. કારણ કે સમરી રિટર્ન ફાઇલિંગ (3બી)માં એડિટિંગની સુવિધા મળી નહોતી. 21 નવેમ્બર સુધીમાં આ સુવિધા ઉપલબ્ધ કરવાનું ઇન્ફોસીસને જણાવવામાં આવ્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer