આવતાં 100 વર્ષમાં સમુદ્રની સપાટી 15.26 સેમી. વધે તો મુંબઈ માટે જોખમ

આવતાં 100 વર્ષમાં સમુદ્રની સપાટી 15.26 સેમી. વધે તો મુંબઈ માટે જોખમ
‘નાસા’એ હાથ ધરેલા અભ્યાસને અંતે અપાઈ ચેતવણી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : અમેરિકાની અવકાશ વિજ્ઞાન સંસ્થા-નેશનલ એરોનોટિક્સ ઍન્ડ સ્પેસ એડ્મિનિસ્ટ્રેશન-‘નાસા’એ આધુનિક ટેક્નૉલૉજી વિકસાવી છે. તેની મદદથી કુદરતી આફતની જાણ અગાઉથી જ થશે. ‘નાસા’ એ એક આધુનિક ટુલ બનાવ્યું છે તે ટુલ દ્વારા ગ્લોબલ વાર્મિંગને કારણે થનારા જોખમને અગાઉથી જ જાણી શકાય છે. ‘નાસા’ના એક અહેવાલ મુજબ મહારાષ્ટ્રનું મુંબઈ અને કર્ણાટકનું મેન્ગલોર ડૂબી જવાનું જોખમ છે.
‘નાસા’ના નિષ્કર્ષ જગપ્રસિદ્ધ ‘સાયન્સ’ માસિકમાં પ્રગટ કરવામાં આવ્યો છે. આ માસિકમાં જગતભરના જોખમ ધરાવતાં શહેરોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. તેમાં ભારતના મુંબઈ અને મેન્ગલોર શહેરોનો સમાવેશ થાય છે. આ અહેવાલ અનુસાર આગામી 100 વર્ષમાં મુંબઈ પાસે સમુદ્રની સપાટી 15.26 સેન્ટીમીટર અને મેન્ગલોરની સમુદ્ર સપાટી 15.98 સેન્ટીમીટર વધશે. હીમશીલા અને જમીન ઉપરનો બરફ મોટા પ્રમાણમાં ઓગળતા આ જોખમ સર્જાશે એવી આગાહી અહેવાલમાં કરવામાં આવી છે. ‘નાસા’એ વિકસાવેલી આધુનિક ટેક્નૉલૉજીને કારણે આ આગાહી કરવાનું શક્ય બન્યું છે. બદલાતી આબોહવાને લીધે પૃથ્વી ઉપર કેવી અસર થશે તેનો અંદાજ અત્યારથી જ જણાવવામાં આવ્યો છે. તેથી આપણે ગ્લોબલ વોર્મિંગને કારણે આવી પડનારી સમસ્યાથી ચેતીને અત્યારથી જ પગલાં ભરવા જોઈએ. ‘નાસા’એ વિકસાવેલા ટુલનું નામ - ‘ગ્રેડી એટ ફિંગર પ્રિંટ મેપિંગ’ (જીએફએસ) છે. ‘નાસા’ના જેટ પોપ્યુલેશન લેબોરેટરી (કેલિફોર્નિયા)ના સંશોધકોએ જીએફએસના ટુલનો ઉપયોગ વિશ્વનાં મુખ્ય 293 શહેરો ઉપર કર્યો હતો. સંશોધકોના મતે ન્યૂ યૉર્ક અને મુંબઈ કરતાં પણ વધુ જોખમ મેન્ગલોર શહેરને છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer