હિંસક વિરોધની શંકાથી ‘પદ્માવતી’ની રિલીઝ મોકૂફ

હિંસક વિરોધની શંકાથી ‘પદ્માવતી’ની રિલીઝ મોકૂફ
નિર્માતા કંપનીએ સ્વેચ્છાએ ફિલ્મની રજૂઆત મુલતવી રાખવા લીધેલો નિર્ણય
 
 અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : સંજય લીલા ભણશાળીની ફિલ્મ પદ્માવતી ઉપર વિવાદ વધુ ઘેરો અને સંવેદનશીલ બની જતાં નિર્માતા કંપનીએ ફિલ્મની રજૂઆત પાછી ઠેલી દેવાનો સ્વૈચ્છિક નિર્ણય લઈ લીધો છે અને હવે તમામ પ્રકારની મંજૂરી મળ્યા પછી જ ફિલ્મની રીલીઝ માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું.
આ પહેલા સેન્સર બોર્ડ દ્વારા કેટલાંક ટેકનિકલ કારણોસર ફિલ્મને પરત મોકલી દેવામાં આવીહ તી અને ભણશાળીએ સેન્સરમાંથી મંજૂર થયા વગરની ફિલ્મ અમુક ચુનંદા પત્રકારોને દેખાડી દેવામાં આવી હોવાથી નારાજગી પણ દેખાડવામાં આવી હતી. પદ્માવતીનાં સર્ટીફિકેશન માટે કરવામાં આવેલું આવેદન અધૂરૂ ગણાવીને ફિલ્મ પરત મોકલવામાં આવેલી. સીબીએફસીએ કહ્યું હતું કે આ મામલો ઉકેલીને ફિલ્મ ફરીથી મોકલવામાં આવશે ત્યારે જ તેને નિર્ધારિત માપદંડો અનુસાર મંજૂરી આપવામાં આવશે.  દરમિયાન આજે પદ્માવતીનું નિર્માણ કરનાર કંપની વાયકોમ 18 દ્વારા ફિલ્મની રજૂઆત પાછી ઠેલી દેવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
રાજસ્થાન અને ગુજરાત સહિત દેશનાં અન્ય રાજ્યોમાં રાજપૂત સમાજનાં લોકો આ ફિલ્મની સખત વિરુદ્ધ છે. તેમને આશંકા છે કે ભણશાળીએ ઐતિહાસિક તથ્યો સાથે ગંભીર ચેડા કર્યા છે. કરણીસેનાએ તો આ ફિલ્મની વિરુદ્ધ હિંસા આચરવા સુધીની ધમકીઓ પણ ઉચ્ચારેલી. શનિવારે રાજસ્થાનનાં મુખ્યમંત્રી વસુંધરા રાજેએ સૂચના અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીને પત્ર લખીને પદ્માવતીની રીલીઝ તેમાં જરૂરી બદલાવ પહેલા ન થાય તેવું સુનિશ્ચિત કરવાં અનુરોધ કર્યો હતો. તેમણે એવું પણ ઉમેર્યું હતું કે સેન્સર બોર્ડે પણ આ ફિલ્મનાં પરિણામોનો વિચાર કરી લેવો જોઈએ.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer