શાહરુખ ખાનનો અલીબાગનો બંગલો તપાસ હેઠળ

શાહરુખ ખાનનો અલીબાગનો બંગલો તપાસ હેઠળ
અમારા પ્રતિનિધિ તરફથી
નવી મુંબઈ, તા. 19 : રાયગઢના કલેક્ટર ડૉ. વિજય સૂર્યવંશીએ એવો દાવો કર્યો હતો કે અલીબાગમાં અભિનેતા શાહરુખ ખાનનો જે બંગલો છે તે એવી 87 પ્રોપર્ટીઓમાંનો એક છે જેના વિષે તેમના કાર્યાલયે કાનૂની અભિપ્રાય મગાવ્યો છે જેથી કોસ્ટલ રેગ્યુલેટરી ઝોન (સીઆરઝેડ)ના કહેવાતા ઉલ્લંઘન માટે કાર્યવાહી કરી શકાય. આ તમામ 87 પ્રોપર્ટીઓ સામેની કાર્યવાહી પર હાલ સ્થાનિક તાલુકા કોર્ટોએ સ્ટે
આપ્યો છે.
સૂર્યવંશીએ જણાવ્યું હતું કે સીઆરઝેડ વિસ્તારોમાં ગેરકાયદે બંગલા બે પ્રકારના હોય છે એક તો સ્થાનિક પ્રકારના હોય છે અને બીજા ફાર્મ હાઉસ હોય છે. વર્તમાન કાયદાઓના આધારે સ્થાનિક બંગલાઓ અને તેમના માલિકોને રાહત અનુભવી શકે છે. પરંતુ અભિનેતા શાહરુખ ખાનનો બંગલો એવી 87 પ્રોપર્ટીઓમાંને એક છે જેના પર કાર્યવાહી તોળાઈ રહી છે.
પરંતુ કલેક્ટરના કાર્યાલયે સૌપ્રથમ શાહરુખ ખાન સાથેની કડીને પ્રસ્થાપિત કરવી પડશે. ટેક્નીકલી જોઈએ તો આ બંગલો દેજા વુ ફાર્મસ પ્રા. લિમિટેડનો અને મોરેશ્વર આસગાંવકરના નામનો છે. અમારી અલીબાગ સબડીવીઝન અૉફિસ દ્વારા જિલ્લા સરકારી પ્લીડર પાસેથી અભિપ્રાય મગાવવામાં આવ્યો છે. કોર્ટના સ્ટેને કેવી રીતે દૂર કરવો કે કાર્યવાહી માટે અન્ય કયા વિકલ્પોનો ઉપયોગ કરવો તે માટે અભિપ્રાય મગાવવામાં આવ્યો છે’ એમ કલેકટરે વધુમાં જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે બંગલાની દીવાલ તોડી પાડવામાં આવી હતી અને સીઆરઝેડના ભંગ માટે 2015માં અલીબાગ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવામાં આવી હતી.
આ કેસ વિષે વધુ જાણવા તેના રેકર્ડસની તપાસ કરવામાં આવી રહી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer