210 સરકારી સાઈટ ઉપરથી આધાર સંબંધિત ગુપ્ત જાણકારી લીક

210 સરકારી સાઈટ ઉપરથી આધાર સંબંધિત ગુપ્ત જાણકારી લીક
નવીદિલ્હી, તા.19 : અનેક કાનૂની વિવાદો ઉભા થઈ જવા છતાં સરકાર છેલ્લાં ઘણાં સમયથી આધારકાર્ડ કે નંબરને વિભિન્ન સરકારી યોજનાઓ સાથે જોડવાની કામગીરીમાં સાતત્ય સાથે આગળ વધી રહી છે. મોબાઈલ નંબર હોય કે પછી પાનકાર્ડ, બેન્કખાતુ હોય કે પછી સસ્તુ અનાજ, તમામને આધાર સાથે જોડવાનું અનિવાર્ય બનાવવામાં આવી રહ્યું છે. આ યોજનાની શરૂઆતમાં લોકોની અંગત જાણકારીઓ ગોપનીય બની રહેશે તેવા દાવા કરવામાં આવ્યા હતાં. પરંતુ હવે એક આરટીઆઈમાં આ દાવાઓની પોલ પાધરી થઈ ગઈ છે. 210 જેટલી સરકારી વેબસાઈટોએ આધાર સંબંધિત લોકોની જાણકારી લીક કરી નાખી હોવાનું બહાર આવતાં ખળભળાટ
મચ્યો છે.
આધારની વ્યવસ્થા બનાવનાર સંસ્થા યુઆઈડીએઆઈએ એક આરટીઆઈનાં જવાબમાં જણાવ્યું છે કે 210 સરકારી સાઈટો ઉપરથી જાણકારી લીક થઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોની સાઈટો ઉપરથી આધાર લાભાર્થીઓનાં નામ અને સરનામા સહિતની જાણકારીઓ ફૂટી ગઈ છે. જો કે આ ગંભીર ચૂક સામે આવતાં યુઆઈડીએઆઈ દ્વારા તમામ સાઈટો ઉપરથી આધારની ગોપનીય જાણકારીઓ હટાવડાવી લેવામાં આવી છે. આ જાણકારીઓ લીક થવાથી કેટલું નુકસાન થઈ શકે તેમ છે એ વિશે હજી સુધી કોઈ અંદાજ નથી.
યુઆઇડીએઆઇએ આ મામલો સંજ્ઞાનમાં લેતાં તમામ સરકારી સાઇટો પરથી લોકોની અંગત વિગતો હટાવી દીધી છે.
શિક્ષણ સંસ્થાનો સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારોના વિભાગોની વેબસાઇટો પર લાભાર્થીઓના નામ, સરનામાં તેમજ આધાર નંબર અને અન્ય અંગત માહિતી સામાન્ય જનતાની જાણકારી માટે સાર્વજનિક કરી નખાઈ હતી.
ઉલ્લેખનીય છે કે મોબાઇલ નંબર, બેંક ખાતાં, પાનકાર્ડ તેમજ અન્ય લાભાર્થી યોજનાઓનો લાભ લેવા માટે કેન્દ્ર સરકાર આધારકાર્ડ જોડવાનું ફરજિયાત કરી રહી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer