ગડમથલ બાદ કૉંગ્રેસના 77 ઉમેદવાર જાહેર


અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 20 : દિવસોની કશ્મકશ અને ગડમથલ બાદ કોંગ્રેસે ગઈકાલે રાત્રે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેની 77 બેઠક માટેના ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી હતી. ઉમેદવારી ફોર્મ ભરવા માટે એક જ દિવસ બાકી રહ્યો છે ત્યારે રાત્રે જાહેર કરાયેલી યાદી મુજબ કચ્છમાં માંડવીમાં શક્તિસિંહ ગોહિલ, અંજારમાં વી. કે. હુંબલ, ગાંધીધામમાં કિશોર પિંગોલના નામ સામેલ છે. આ સૂચિમાં બે મહિલા, ત્રણ મુસ્લિમ છે. પાસના પણ નેતા સામેલ છે અને 23 પાટીદારને ટિકિટ અપાઇ છે. જ્યારે ત્રણ પૂર્વ સાંસદ વીરજી થુમર, ડો. તુષાર ચૌધરી અને વિક્રમ માડમનો પણ સમાવેશ કરાયો છે.
અનામત મુદ્દે પાસ અને કોંગ્રેસ વચ્ચે કલાકો સુધી ચાલેલી મડાગાંઠ ઉકેલાયા બાદ કોંગ્રેસની બેઠક ફાળવણી મુદ્દે એનસીપી સાથે ચર્ચા-વિચારણાને પગલે પહેલી યાદીમાં વિલંબ થયો હતો. કોંગ્રેસ નેતા મનીષ દોશીએ  રાત્રે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યંy હતું કે, પક્ષે એકતરફ સ્વચ્છ પ્રતિભા ધરાવતા યુવા ચહેરાઓને પસંદ કર્યા છે તો બીજીતરફ અનુભવીઓને પણ નજરઅંદાજ કર્યા નથી.
પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, ધોરાજીથી પાસ નેતા લલિત વસોયા, રાજકોટ પશ્ચિમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ભાવનગરમાં ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી સામે દિલીપસિંહ ગોહિલને ટિકિટ અપાઇ છે. અમરેલીમાં પરેશ ધનાણીની પસંદગી થઇ છે.
ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, તમામ સમાજોના સૂચનો ધ્યાને લઇને ઉમેદવાર પસંદ કરવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે આ વખતે કોંગ્રેસની જીત નિશ્ચિત છે. પ્રથમ યાદીમાં 13 ધારાસભ્ય રિપીટ કરાયા છે તો પાસના ત્રણ નેતાને ટિકિટ અપાઈ છે. યાદીમાં 12 પાટીદાર છે, ઉધનામાં સતીશ પટેલને, જૂનાગઢમાં અમિત થુમરને, કામરેજમાં નીલેશ કુંભાણીને ટિકિટ અપાઈ છે. પાટીદાર આંદોલન સાથે જોડાયેલા રવિ આબંલિયાને જેતપુરથી ટિકિટ અપાઈ છે. 
ઉમેદવારીપત્રો ભરવાને એક જ દિવસ બાકી રહ્યો છે એ જોતાં કોંગ્રેસ બીજી યાદી બહુ જલદી જાહેર કરે એવી સંભાવના છે. પક્ષના વર્તુળોના જણાવ્યા મુજબ સમય ઓછો છે એ જોતાં બાકીના ઉમેદવારોને સીધા મેન્ડેટ મોકલીને ફોર્મ ભરવાની સૂચના મળે એવીએ શક્યતા છે. કચ્છની ત્રણ અન્ય બેઠક માટે ભચુભાઈ આરેઠિયા (રાપર), પ્રદ્યુમનસિંહ જાડેજા (અબડાસા) અને આદમભાઈ ચાકી (ભુજ)ના નામ એક તબક્કે ફરતાં થઈ ગયાં હતા પરંતુ સત્તાવાર જાહેરાત થઈ નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer