ફ્લૅટ મેળવવામાં વિલંબ થતાં વધુ પોલીસ ફરિયાદો

       મુંબઈ, તા. 6 : ફલૅટ નોંધાવનારા 96 જણ સાથે કથિતરૂપે ઠગાઈ બદલ મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખાએ જેવીપીડી પ્રોપર્ટીસ લિમિટેડના ડિરેક્ટરો વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. ફરિયાદીઓએ પોલીસને જણાવ્યું હતું કે ફ્લૅટ નોંધાવનારા પાસેથી અત્યાર સુધીમાં 28 કરોડ રૂપિયા લેવામાં આવ્યા છતાં ફ્લૅટનો કબજો સોંપવામાં આવ્યો નથી. અત્યાર સુધી આ બીલ્ડર વિરુદ્ધ વિવિધ પ્રકલ્પો અંગે ચાર એફઆઈઆર નોંધાવવામાં આવી છે.
કલવાના રહેવાસી ધનશ્રી શિંદેએ ગત મહિને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે પવઈમાં સેરેનીટી પ્રકલ્પની શરૂઆત વર્ષ 2013માં કરવામાં આવી હતી અને 42 માસમાં ફ્લૅટનો કબજો અપાશે એવી ખાતરી બીલ્ડર તરફથી આપવામાં આવી હતી. જોકે, હજી તે સ્થળે બાંધકામ શરૂ થઈ શક્યું નથી. જેવીપીડી પ્રોપર્ટીસ લિમિટેડના ડિરેક્ટરો લક્ષ્મણ ભગતાની, મુકેશ ભગતાની અને દીપેશ ભગતાનીનાં નામ એફઆઈઆરમાં છે.
જેવીપીડી પ્રોપર્ટીસ લિમિટેડના ડિરેક્ટરો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવી પછી આ પ્રકલ્પમાં ફ્લૅટ નોંધાવનારા વધુ કેટલાક લોકોએ તે અંગે ફરિયાદ નોંધાવી છે.
લક્ષ્મણ ભગતાનીએ જણાવ્યું હતું કે મીરા રોડમાં રિયોનો પ્રકલ્પ ઘોંચમાં પડવાને કારણે પવઈ પ્રકલ્પમાં ફ્લૅટ નોંધાવનારાઓ રિફંડની માગણી કરે છે. જે ફ્લૅટ નોંધાવનારાઓને નાણાં પાછા જોઈએ છે તેઓને તે રકમ પાછી આપી દેવામાં આવી છે. મીરા રોડના પ્રકલ્પ વિશે નકારાત્મક પ્રચારને લીધે હવે પવઈના પ્રકલ્પમાં ફ્લૅટ નોંધાવનારાઓ નાણાં  પાછા માગી રહ્યા છે. ભાગ્યશ્રી શિંદે અમારી પાસે નાણાં પાછા માગવા આવ્યા પછી અમે તેમને બે હપ્તા આપ્યા છે. ત્રીજો હપ્તો આપવાનો બાકી છે. તેમણે ફલૅટ રદ કરવાના સર્ટિફિકેટ ઉપર પણ સહી કરી છે. આમ છતાં ત્રીજા હપ્તાનો ચેક તેઓ લેવા આવ્યાં નથી, એમ ભગતાનીએ ઉમેર્યું હતું.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer