માનવતા મરી પરવારી નથી : પોલીસની પ્રામાણિકતાથી પુત્રની શસ્ત્રક્રિયા પાર પડી

મુંબઇ, તા.6  :  અંડરવર્લ્ડ પર અંકુશ રાખવાની સાથે જ ગૂનાના મૂળ સુધી પહોંચી ગુનેગારોને પકડી પાડવા માટે મુંબઈની ક્રાઈમ બ્રાન્ચ વિશ્વવિખ્યાત છે. આ જ મુંબઈ પોલીસ દળના કર્મચારીઓમાં રહેલી માનવતાની પ્રતીતિ કરાવતો અનુભવ કિરણ ગાયકવાડને થયો હતો.
ક્રાઈમ બ્રાન્ચના યુનિટ ચારના પોલીસ ઉમેશ શિરગાંવકર સોમવારે સવારે નવના સુમારે કાર્યાલયમાં જવા નીકળ્યા હતા ત્યારે તેમને પ્રતીક્ષાનગર પાસેના માર્ગ પર એક પાકિટ મળ્યું હતું. પાકિટમાંથી ઓળખપત્ર કે ટેલિફોન નંબર મળે છે કે તે જોવા માટે તેમણે પાકિટ ખોલ્યું હતું. તેમાં 19,650  રૂપિયા સહિત કેટલીક મહત્ત્વની વસ્તુઓ પણ હતી. પાકિટમાંનાં કાગળોમાં કેટલાક મોબાઈલ ક્રમાંક પણ હતા. તેમણે પાકિટમાંના ઓળખ પત્રના આધારે તપાસ કરી કિરણ ગાયકવાડને ફોન કર્યો હતો. ગાયકવાડ તે સમયે લીલાવતી હોસ્પિટલમાં હતા, જ્યાં તેમના પુત્ર શ્રીતેજની કિડનીની શત્રક્રિયા શરૂ હતી. 
શિરગાંવકરને  આ પાકિટ  ગાયકવાડનું જ હોવાની ખાતરી થતાં અને તેમની મનોસ્થિતિ સમજાતાં જ તેમને પાકિટ અને તેમાંના પૈસા સુરક્ષિત હોવાની સાંત્વના આપી હતી. શિરગાંવકરે લીલાવતી હોસ્પિટલમાં પહોંચીને પાકિટ સહીસલામત ગાયકવાડને સોપ્યું હતું. પુત્રની સારવાર માટે એકઠી કરેલી રકમ ફરી હાથમાં આવતાં ગાયકવાડ અતિશય ભાવુક બન્યા હતા અને તેમની આંખમાંથી હર્ષાશ્રુ સરી પડયાં હતાં. તેમના માટે દેવદૂત બની આવેલા શિરગાંવકરનો આભાર વ્યક્ત કરી તેમની પ્રામાણિકતાને બિરદાવી હતી. ઊલ્લેખનીય છે કે શ્રીતેજ પર કરાયેલી શત્રક્રિયા સફળ નીવડી છે, જેને પગલે ગાયકવાડ પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer