કમોસમી વરસાદને કારણે ડેન્ગ્યુના કેસમાં વધારો થવાની શક્યતા

ડૉક્ટરોના અભિપ્રાય મુજબ
મુંબઈ, તા. 6 : શહેરમાં મંગળવારે વરસેલા કમોસમી વરસાદને કારણે અઠવાડિયામાં ડેન્ગ્યુના કેસ વધી શકે તેવી શક્યતા ડૉક્ટરોએ વ્યક્ત કરી છે. જોકે, આ સમયગાળામાં મચ્છરને લીધે થતા વાયરલ રોગનો ફેલાવો ઓછો થાય છે.
ભારતીય હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે વરસાદી વાતાવરણ ગુરુવાર બપોર સુધી રહે તેવી શક્યતા છે. જેથી પાણી ભરાતું હોય તેવા વિસ્તારોમાં મચ્છરોની સંખ્યામાં વૃદ્ધિ થઈ શકે છે.
પાલિકાના આંકડા મુજબ સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના 412 અને મલેરિયાના 536 કેસ નોંધાયા હતા. જ્યારે અૉક્ટોબરમાં ડેન્ગ્યુના 217 અને મલેરિયાના 849 કેસ નોંધાયા હતા. ડૉક્ટરોના જણાવ્યા મુજબ છેલ્લાં કેટલાક દિવસમાં તાપમાન ઘટયું હોવાથી શરદી, ઉધરસના કેસ પણ વધ્યા છે.
કોહિનૂર હૉસ્પિટલના ડૉક્ટરે કહ્યું હતું કે રોજ શરદી અને ઉધરસના આઠથી દસ દરદી સારવાર માટે આવે છે. મચ્છર અને વાયરસનો ફેલાવો આવા વાતાવરણમાં વધારે થાય છે. 
ભાટિયા હૉસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું હતું કે ડેન્ગ્યુના કેસ નવેમ્બરમાં ઓછા થયા હતા. ડેન્ગ્યુના રોજ બેથી ત્રણ દરદીઓ હૉસ્પિટલમાં દાખલ થાય છે. આ પહેલાં હૉસ્પિટલમાં ડેન્ગ્યુના વધુ દરદીઓ દાખલ થયા હતા. આગામી અઠવાડિયામાં સ્વાઇન ફ્લુના કેસ પણ વધી શકે છે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer