ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે જ કૉંગ્રેસે સામે ચાલીને ભાજપને અયોધ્યાનો મુદ્દો ભેટ ધર્યો

બાબરી ધ્વંસની પચીસમી વરસી
આનંદ કે. વ્યાસ તરફથી 
નવી દિલ્હી, તા. 6 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપને હિંદુત્વના મુદ્દે રાજનીતિ કરવાની તક ન મળે એવા ખાસ પ્રયાસ કૉંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી દ્વારા થઇ રહ્યા છે, પરંતુ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મુદ્દે કેસની સુનાવણી શરૂ થતાં જ સુન્ની વક્ફ બોર્ડના વકીલ અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે ભાજપને સોનેરી તક આપી દીધી છે. સિબ્બલે કોર્ટમાં દલીલ કરી હતી કે વર્ષ 2019માં થનારી લોકસભાની ચૂંટણી બાદ અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ  કેસની સુનાવણી કરવામાં આવે. જોકે, સુપ્રીમ કોર્ટે સિબ્બલની આ માગણી નકારી કાઢી છે અને આઠમી ફેબ્રુઆરીએ સુનાવણી થશે, પરંતુ ભાજપે સિબ્બલની દલીલનો એવો અર્થ કર્યો કે રામ જન્મભૂમિના મુદ્દે કૉંગ્રેસ ખુલ્લી પડી ગઇ છે. ભાજપે કહ્યું હતું કે અત્યાર સુધી કૉંગ્રેસ એવા આક્ષેપો કરતી હતી કે ભાજપ આ મુદ્દે રાજકારણ કરી રહ્યો છે, પરંતુ હવે કૉંગ્રેસ જ આ મુદ્દે રાજકારણ કરી રહી છે. 
ખાસ તો ગુજરાતની ચૂંટણીના પ્રચારમાં વિકાસ અને જાતિવાદના તેમ જ પાટીદાર અને દલિત સમાજના આંદોલનના મુદ્દા ચૂંટણીમાં ચર્ચાતા હતા તેમાં મતદાનની તારીખ નજીકમાં છે ત્યારે જ સિબ્બલે ભાજપને હિંદુત્વનો ભાજપને ફાવતો મુદ્દો સામે ચાલીને આપી દીધો છે. આના કારણે ગુજરાતની ચૂંટણીમાં હવે અન્ય તમામ મુદ્દાઓ કોરાણે અને રામમંદિરનો મુદ્દો કેન્દ્ર સ્થાને આવી ગયો હોવાનું જણાઇ રહ્યું છે.
કપિલ સિબ્બલની સુપ્રીમ કોર્ટમાં કરાયેલી દલીલોથી ગુજરાતના મુસ્લિમોની લાગણી તો દુભાશે જ ઉપરાંત ગુજરાતમાં પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી પણ અત્યાર સુધી બિન-સાંપ્રદાયિકતા અને લઘુમતીઓને કથિત અન્યાય જેવા મુદ્દાઓથી દૂર રહ્યા છે તેથી પણ કેટલાક સમુદાયોમાં નારાજી છે, તેમાં વધારો થવાની શક્યતા છે. જોકે, સિબ્બલ કરતાંય વધુ આંચકો આપતું નિવેદન તો સુન્ની વક્ફ બોર્ડ તરફથી આવ્યું જેમાં જણાવાયું હતું કે અયોધ્યાનો મુદ્દો વહેલી તકે ઉકેલાય તે સૌના હિતમાં છે તેથી આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ટાળવાનો કોઇ અર્થ નથી. બોર્ડે એમ પણ જણાવ્યું હતું કે સિબ્બલ આ કેસ અમારા તરફથી લડી રહ્યા છે, પરંતુ તેમણે સુનાવણી વર્ષ 2019 સુધી ટાળવાના કોર્ટમાં સિબ્બલના નિવેદન સાથે અમારે કંઇ લેવાદેવા નથી. ભાજપનું કહેવું છે કે સિબ્બલની દલીલો અને વક્ફ બોર્ડની સ્પષ્ટતા બાદ કૉંગ્રેસનું અયોધ્યા મુદ્દે વલણ ખુલ્લું પડી ગયું છે, સિબ્બલ વક્ફ બોર્ડ કરતાંય કૉંગ્રેસતરફથી કોર્ટમાં દલીલો કરી રહ્યાનું સ્પષ્ટ થયું છે.
ગુજરાતના ચૂંટણીપ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જનસભામાં સિબ્બલથી અંતર જાળવી રાખતા વક્ફ બોર્ડના નિવેદનને વધાવતાં કહ્યું હતું કે કૉંગ્રેસ અને તેના નેતાઓ સિવાય અયોધ્યાના કેસનો ઉકેલ આવે એવું આ દેશમાં સૌ કોઇ ઇચ્છે છે. સિબ્બલની દલીલોનો સંદર્ભ આપીને મોદીએ સભામાં કહ્યું હતું કે સિબ્બલ અને કૉંગ્રેસ રામમંદિરના મુદ્દાને ચૂંટણીઓ સાથે શા માટે જોડે છે? શું આ મુદ્દાને રાજકારણમાં લાવવો યોગ્ય છે?
ગુજરાતની ચૂંટણીમાં મુખ્ય જંગ ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે જ છે, પ્રચારયુદ્ધ પૂરજોશમાં ચાલી રહ્યું છે તેમાં રાહુલ ગાંધી તાજેતરમાં સોમનાથ મંદિરે દર્શન કરવા ગયા ત્યારે ત્યાંના એક રજિસ્ટરમાં બિન-હિંદુ તરીકેનો તેમનો ઉલ્લેખનો મુદ્દો ખૂબ ચગ્યો હતો, જેના પગલે કૉંગ્રેસ તરફથી રાહુલ ગાંધી હિંદુ અને જનોઇધારી પંડિત હોવાના દાવા કરતાં નિવેદનો પણ કરાયાં હતાં. તેમાં હવે સિબ્બલની દલીલોથી કૉંગ્રેસની મુશ્કેલીઓ વધી છે. મોદીએ આ મુદ્દે કટાક્ષ કરતાં કહ્યું હતું કે એક તરફ રાહુલ ગાંધી ગુજરાતના એક પછી એક મંદિરોની મુલાકાત લઇ રહ્યા છે ત્યારે તેમની જ પાર્ટીના નેતા સિબ્બલ કાનૂની અડચણો પેદા કરીને રામમંદિર નિર્માણમાં વિલંબ ઊભો કરી રહ્યા છે.  આજે અયોધ્યામાં બાબરી ધ્વંસની પચીસમી વરસીએ ખાસ કંઇ ફરક તો નથી પડયો, પરંતુ દર વર્ષે છ ડિસેમ્બરના આ સમયગાળામાં  સંસદનું અધિવેશન ચાલતું હોય છે જેમાં કૉંગ્રેસ તરફથી આ મુદ્દે ભાજપની ટીકા કરાય છે અને ભાજપ કૉંગ્રેસના આક્ષેપોના જવાબો આપે છે. જોકે, આ વખતે ઊલટું ચિત્ર જોવા મળે છે. હવે ભાજપ આક્રમક છે અને કૉંગ્રેસ બચાવની મુદ્રામાં છે. ભાજપ દ્વારા કૉંગ્રેસને અયોધ્યા મુદ્દે વલણ સ્પષ્ટ કરવાનો પડકાર ફેંકવામાં આવી રહ્યો છે અને કૉંગ્રેસે આ મુદ્દે હજુ સુધી કોઇ સંતોષકારક જવાબ નથી આપ્યો. 
ગુજરાતની ચૂંટણીને સંબંધ છે ત્યાં સુધી અયોધ્યાનો મુદ્દો ખૂબ મહત્ત્વનો છે. કેમ કે વર્ષ 2002માં ગુજરાતના કારસેવકો અયોધ્યામાં શિલાદાન અને રામ લલ્લા વિરાજમાનની પૂજા કરીને પરત આવી રહ્યા હતા ત્યારે ગોધરા નજીક ટ્રેન સળગાવાઇ હતી, જેમાં 59 કારસેવકોનાં મૃત્યુ થયાં હતાં અને ત્યાર બાદ ગુજરાતમાં કમનસીબ રમખાણો થયાં હતાં. હવે આ કેસની સુનાવણીમાં સિબ્બલ વક્ફ બોર્ડના વકીલ છે તેથી ગુજરાતની જનતાને જો આવી કડવી યાદો તાજી થશે તો ચૂંટણી ટાંણે જ કૉંગ્રેસની મુશ્કેલીઓ વધશે.         
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer