ચીનમાં મહિલાઓને ``સદાચાર'''' શીખવતો વર્ગ સત્તાવાળાઓએ બંધ કરાવ્યો !

ઓછું બોલવાની સૂચનાનો વીડિયો વાયરલ થતાં કાર્યવાહી
બીજિંગ, તા. 6 : ચીનના લિઆઓનીંગ પ્રાંતમાં મહિલાઓ માટે ચાલતો સદાચારનો વર્ગ ``વુમેન્સ વર્ચ્યુ ક્લાસ'' એટલા માટે સત્તાવાળાઓએ બંધ કરી દીધો હતો કે વર્ગમાં આવતી મહિલાઓને ઓછું બોલવાની અને હોટલમાંથી ભોજન મગાવવાને બદલે પોતાની રીતે રસોઈ બનાવવાની સૂચના  આપતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. 
ફુશુન શહેરમાં 2011થી આ વર્ગ ચાલતો હતો જેમાં મહિલાઓએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના પાઠ ભણાવવામાં આવતા હતા. વર્ગના શિક્ષકોના જણાવ્યા પ્રમાણે તેઓ મહિલાઓને પરંપરાગત ચીની સંસ્કૃતિના પાઠ ભણાવતા હતા.
આ વર્ગમાં હાજર થતી મહિલાઓને સવારના 4.30 વાગે ઊઠી જવાનું અને ત્યાર બાદ આઠ કલાક સુધી રોજિંદી કામગીરી બજાવવાનું કહેવામાં આવતું હતું. આ મહિલાઓના વર્ગમાંની કામગીરી પર શિક્ષકો ચાંપતી નજર રાખતા હતા. જો આ મહિલાઓ મેક અપ કરે કે પોતાની મહત્ત્વાકાંક્ષા વિષે વાત કરે તો તેમને સજા કરવામાં આવતી હતી. વીડિયો ફુટેજ સોશિયલ મીડિયા પર વાયરલ નહોતો થયો ત્યાં સુધી આ વર્ગ ચાલુ હતો. આ વીડિયોમાં શિક્ષક મહિલાઓને એમ કહેતો દર્શાવવામાં આવ્યો હતો કે, મહિલાઓએ ઓછું બોલવું જોઈએ, ઘરનું વધુ કામ કરવું જોઈએ અને તેમનું મોઢું બંધ રાખવું જોઈએ. મહિલાઓએ સમાજમાં બહુ ઉપર જવાની કોશિષ ન કરતાં નીચે રહેવું જોઈએ. જો તમે રાંધવાને બદલે ભોજન બહારથી મગાવો તો તમે મહિલાઓ માટેના નિયમોનો ભંગ કરો છો.
આ વીડિયો વાયરલ થયા બાદ હોબાળો મચતાં સત્તાવાળાઓએ  આ વર્ગ બંધ કરાવી દીધો હતો.
આ વર્ગ એવી વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતા હતા જે હત્યાના કેસમાં જેલની સજા ભોગવી ચૂક્યો હતો. આ વર્ગમાં હાજર રહેનારી 47 વર્ષની એક મહિલાએ જણાવ્યું હતું કે, તેમના મગજમાં એવું ઠસાવવામાં આવતું હતું કે, મહિલાઓ પુરુષો કરતાં ઉતરતી હોય છે અને તેમનું કામ બાળકો પેદા કરવાનું અને આ બાબતમાં તેઓ તેમના પતિઓને ના પાડી શકે નહીં અને છૂટાછેડા માન્ય નથી.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer