કૉંગ્રેસે પાંચ દાયકા રાજ કર્યું, પરંતુ આદિવાસીઓ માટે શું કર્યું ? : મોદી

અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા, તા.6 :  કૉંગ્રેસને પાંચ દસકા રાજ કરવાનો મોકો મળ્યો  હતો. તેમણે આદિવાસીઓ માટે શું કર્યુ, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. 
ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચારમાં આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદ જિલ્લાના ખેરાડ ગામે જંગી જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે, રામમંદિરમાં બધા સમાધાન ઈચ્છે છે ત્યાં કૉંગ્રેસ હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે.
ગઈકાલે કપિલ સિબ્બલે કોર્ટમાં જઈને ભાંગરો વાટયો, મારે સુન્ની વકફ બોર્ડને અભિનંદન આપવા છે. તેમણે નિવેદન કર્યુ છે કે, કપિલ સિબ્બલ કોર્ટમાં જઈને જે કર્યુ તે ખોટું કર્યુ. અમે ઈચ્છીએ છીએ આનો ન્યાય આવે અને તેનું સમાધાન થાય. આજે બધા મળીને રામમંદિર માટે રસ્તો કાઢવા નીકળ્યા છે. તો કૉંગ્રેસ હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે. સમાધાનમાં રોડા નાખે છે. પરંતુ આ દેશ એકતાથી જ ચાલવાનો છે. 
100 સ્માર્ટ સિટીમાં દાહોદ એકમાત્ર એવી નગરપાલિકા છે, જેને સ્માર્ટ સિટીમાં નંબર લાગ્યો છે. વિકાસના કામ કરવા હોય તો માત્ર ભાજપ સરકાર કરશે. કારણ કે તેને દેશનું ભલુ  કરવું છે. 
આ દેશમાં કયારેય આદિવાસી લોકો માટે અલગ મંત્રાલય કે બજેટ ન હતું. કોઈ યોજના ન હતી. કારણકે ચૂંટણી જીતવા તેમને બીજેથી માલ મળી જતો હતો. તેમને આદિવાસીની પરવા ન હતી. ભાજપની સરકાર બન્યા પછી પહેલીવાર આ દેશમાં આદિવાસીઓ માટે અલગ મંત્રાલય બન્યું. તેમના માટે બજેટ બન્યું અને સંસદમાં તેમના વિકાસ માટે અલગથી ચર્ચા થવા લાગી, આ કામ ભાજપે કર્યું છે. વિકાસના મુદ્દા પર જ ગુજરાતનું અને ગરીબનું ભલું થવાનું છે. કૉંગ્રેસના રાજમાં તેઓ વર્ષોથી માગણી કરતા કે આદિવાસી દલિતના કમિશનને બંધારણીય હક મળ્યો છે. તેમ બક્ષીપંચને પણ દરજજો મળે, કૉંગ્રેસ ત્યારે પછાતના નામે રાજકારણ કર્યું. કયારેય તેમને બંધારણીય હકનો વિચાર ન કર્યો, અમારી પાર્ટી બન્યા હતા. પછાત સમાજના બધા મારી પાસે આવ્યા, અમે પાર્લામેન્ટમાં પછાતોના હક માટે થઈ બંધારણીય સુધારો લાવવાની વાત કરી. લોકસભામાં અમે પસાર કર્યું પણ રાજ્યસભામાં લટકી  ગયું. પછાત માટે તેમના દિલમાં કંઈ હોય તો તેમણે પાર્લામેન્ટમાં અમને મદદ કરી હોત. 
કૉંગ્રેસ કહે છે કે મોદી અમીરો માટે કામ કરે છે. અમે 90 પૈસામાં ગરીબોનો વીમો ઉતરાવ્યો, એવા કરોડો લોકોનો વીમો ઉતાર્યો. આફત   સમયે સરકારે 1800 કરોડ રૂપિયા ચૂકવ્યા, હવે કહો કે આ અમીરોની સરકાર છે કે ગરીબોની.
અમે ટોઈલેટ બનાવ્યા, તમે કહો કે ખુલ્લાંમાં શૌચાલય માટે અમીરો જતા હતા કે ? અંબાણી ને અદાણી જતા હતા કે, અમે દેશમાં 5 કરોડ શૌચાલય બનાવ્યાં છે.  2019માં ગરીબના ઘરે પણ વીજળીનો દીવો ઝબુકે અને મફતમાં મળે. 
કૉંગ્રેસે કેન્દ્ર સરકાર પર આરોપ મૂકયો છે અમીરોની સરકાર છે  પરંતુ આદિવાસી બિલનો રાજ્યસભામાં કૉંગ્રેસે વિરોધ કર્યો હતો. કૉંગ્રેસે કયારેય આદિવાસીની ચિંતા નથી કરી. વાજપેયી સરકારે આદિવાસીઓ માટે મંત્રાલય અને બજેટ શરૂ કર્યુ હતું. 
પાકિસ્તાનને પાઠ ભણાવવા જવાનોએ સર્જીકલ સ્ટ્રાઈક કરી, પરંતુ કૉંગ્રેસે `જવાનોનું મોટું પરાક્રમ' પર સવાલ ઉઠાવ્યો, જવાનોએ પાકિસ્તાનમાં જઈ આતંકવાદીઓનો સફાયો કર્યો હતો.  2019માં વકફ બોર્ડ ચૂંટણી લડશે કે કૉંગ્રેસ લડશે, વડા પ્રધાને સવાલ કર્યો ?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુન: એકવાર જૂની વાતો અને યાદોને વર્ણવી. લાગણી અને સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
વડા પ્રધાન મોદીએ પરેલમાં સાઈકલ લઈને જવાની વાત કરી હતી. દાહોનો કોઈ વિસ્તાર એવો બાકી નથી જ્યાં હું ગયો નથી કે મને કોઈ ઓળખતું નથી. મોદીને અનેક અપેક્ષાઓ સાથે સાંભળવા આવેલી મેદની  મોદીએ ખૂબ જ ટૂંકુ અને જુના મુદ્દાઓ જ બોલતા થોડા નિરાશ વ્યકત કરી હતી અને આદિવાસી વિસ્તારમાંથી કોઈ નવો મુદ્દો વહેતો કરી કૉંગ્રેસને ઘેરશે તે વાત ઠગારી નીવડી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer