ફેરિયાઓને હટાવાતાં મસ્જિદ વિસ્તારની બજારોમાં મોકળાશ : વેપારીઓ ખુશ

ફેરિયાઓને હટાવાતાં મસ્જિદ વિસ્તારની બજારોમાં મોકળાશ : વેપારીઓ ખુશ
ફૂટપાથો અને રોડ મુક્ત થતાં ગીચ બજારોમાં ટ્રાફિકમાં પણ રાહત
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 : મધ્ય રેલવેના પરેલ અને પશ્ચિમ રેલવેના એલ્ફિન્સ્ટન સ્ટેશનોને જોડતા ફૂટઅૉવર બ્રિજ પર 29 સપ્ટેમ્બરે જીવલેણ ભાગદોડની કમનસીબ ઘટના બાદ જાગેલા રેલવે અને પાલિકા પ્રશાસને શહેરના તમામ રેલવે સ્ટેશન પરિસરોથી દોઢસો મીટરના અંતરેથી ફેરિયાઓને હટાવવાની ઝુંબેશ છેડી છે. આ ક્રમમાં પશ્ચિમ પરાંનાં લોકલ રેલવે સ્ટેશનોના પરિસર અને સમાંતર રોડની ફૂટપાથો પરથી પણ ફેરિયાઓને હટાવાયા છે. રાહદારીઓ અને ટ્રાફિકમાં આનાથી રાહત મળી રહી હોવાની લાગણી છે. 
દક્ષિણ મુંબઈના ગીચ ગણાતા મસ્જિદ વિસ્તારમાં કેટલીય બજારો આવેલી છે ત્યાં પણ સ્ટેશનની આસપાસથી ફેરિયાઓને ખદેડાતા વેપારીઓમાં ખુશી જોવા મળે છે. મસ્જિદ સ્ટેશનના સેન્ડ હસ્ટ રોડ તરફના છેડે આવેલા ફ્લાય અૉવર અને યુસુફ મહેરઅલી રોડ તેમ જ જાણીતી નરસી નાથા સ્ટ્રીટમાં વેપારીઓની દુકાનો આગળ વર્ષોથી અડિંગો જમાવી બેઠેલા ફેરિયાઓને દિવાળી બાદ હટાવાયા છે, તેનાથી વેપારી વર્ગ ખુશ છે. ભીડના સમયે સ્ટેશનની બહાર નીકળવામાં જ પંદરથી વીસ મિનિટ સહેજે નીકળી જતી અને દુકાને પહોંચવામાં પણ એટલો જ સમય લાગતો કેમ કે ફેરિયાઓએ ફૂટપાથો અને રોડ પર રીતસરનું અતિક્રમણ કરેલું હતું. હવે પાયધૂની પોલીસ અને પાલિકાના બી વૉર્ડની ટીમો સતત ત્યાં હાજર રહીને ફેરિયાઓને દૂર રાખે છે. 
બ્રિજની સામેની તરફની ફૂટપાથ પર દુકાનોની આગળ દસથી બાર ઝૂંપડાં પણ હતાં જે હટાવાયા છે. હવે વેપારીઓને હવા-ઉજાસ ઉપરાંત ગ્રાહકોને પણ દુકાનોએ ચીજવસ્તુઓ લેવામાં રાહત અનુભવાય છે. ઉપરાંત ડ્રાયફ્રૂટ્સ અને અન્ય સામાનની દુકાનની આડે બેઠેલા ફેરિયાઓ આવો જ સામાન રાખતા હતા તેથી વેપારીઓના બિઝનેસ પર પણ વિપરીત અસર થતી હતી. ડ્રાયફ્રૂટ્સના જાણીતા વેપારી પંકજભાઇ શાહે કહ્યું હતું કે ભીડથી કંટાળીને બંધ થયેલા અમારા જૂના ગ્રાહકો પણ હવે ફરીથી આવતા થયા છે. કોઇ પણ જાતના લાઈસન્સ ન ધરાવતા અને દાદાગીરીથી ધંધો કરતા લારીવાળાઓ અમારા ધંધા સામે ગંભીર જોખમરૂપ હતા. એક તો અસહ્ય ભીડ અને લોકોને બે મિનિટ પણ પાર્કિંગની જગ્યા નહોતી મળતી તેના બદલે હવે રોડ મોકળાશવાળા થયા છે તેથી ગ્રાહકોને બે મિનિટ ગાડી ઊભી રાખવી હોય તો પણ રાખી શકે છે. આના કારણે દિવાળી બાદ અમારા બિઝનેસમાં સુધારો થયો છે.
હવા ઉજાસ વધ્યા ઉપરાંત લારીમાં વ્યંજનો વેચતા ફેરિયાઓને હટાવાતા ગંદકી પણ નહીંવત થઇ ગઇ છે. બિઝનેસને યોગ્ય વાતાવરણ ઊભું થયું છે, આ બદલ વેપારીઓ તરફથી અમે પોલીસ અને પાલિકાના અધિકારીઓનો આભાર માનીએ છીએ. શાહે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં તો પોલીસવૅન દિવસભર તહેનાત રહે છે તેના કારણે અસહ્ય ટ્રાફિકમાંથી મોટી રાહત મળી છે. ઉપરાંત દિવસભર ધમધમતી આ ગીચ બજારમાં ટોપલા અને હાથલારીથી સામાનની હેરફેરમાં જે મુશ્કેલી હતી તેમાં ખૂબ જ રાહત અનુભવાય છે. આ રાહતો ચાલુ રહે એ જરૂરી છે. જેવી પોલીસ જશે એટલે ફેરિયાઓ ફરીથી આ વિસ્તારમાં કબજો ન જમાવી જાય એનું પ્રશાસન ધ્યાન રાખે એ જરૂરી છે.    

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer