સરકારી નોટિંગ્સ અંગે માર્ગદર્શિકા ઘડવા કમિટી નીમવાનું પગલું કમનસીબ : શૈલેશ ગાંધી

સરકારી નોટિંગ્સ અંગે માર્ગદર્શિકા ઘડવા કમિટી નીમવાનું પગલું  કમનસીબ : શૈલેશ ગાંધી
આરટીઆઈને નબળો પાડવાના રાજ્ય સરકારના પ્રયાસ?   
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 : વિધાનસભ્યો અને સાંસદોને સરકારી ફાઈલોની નોંધો (નોટિંગ્સ) અંગે  માહિતી પૂરી પાડવા માર્ગદર્શક નિયમો ઘડી કાઢવા માટે રાજ્ય સરકારે એક ઉચ્ચસ્તરીય સમિતિનું ગઠન કર્યું એ સંદર્ભમાં ભૂતપૂર્વ સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનર અને પ્રખર આરટીઆઈ એક્ટિવિસ્ટ શૈલેશ ગાંધીએ આઘાત સાથે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
ગાંધીએ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને લખેલા પત્રમાં જણાવ્યું છે કે એક દાયકા કરતાં પણ વધુ સમયથી સિમાચિહ્નરૂપ રાઈટ ટુ ઇન્ફોર્મેશન એકટ (આરટીઆઈ) અસ્તિત્વમાં હોવા છતાં રાજ્યની ભાજપ સરકારે અતિરિક્ત મુખ્ય સચિવ સુધીર શ્રીવાસ્તવની આગેવાનીમાં ત્રણ સભ્યોની સમિતિ રચી છે.
રાજ્યના જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (જીએડી)ના આદેશમાં જણાવ્યું છે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને સરકારી ફાઈલોનાં નોટિંગ્સ કે ગુપ્ત માહિતી આપવી કે નહીં તે અંગેની માર્ગદર્શિકાઓ આ ત્રણ રાજ્યોની કમિટી નક્કી કરશે. દેખીતી રીતે જ આરટીઆઈનો ઉપયોગ કરતા તમામ નાગરિકોને પણ તે લાગુ પડશે. આરટીઆઈ હેઠળ ફાઈલોના નોટિંગ્સ આપવાનું અત્યાર સુધી સ્થાપિત જ હતું. આથી આ નિર્ણયથી આરટીઆઈનો મૂળ હેતુ જ માર્યો જાય છે, એમ ગાંધીએ જણાવ્યું છે. સંસદે બનાવેલા કાયદામાં સુધારો વધારો કરવાની સત્તા કોઈ સચિવ કે સરકારી બોડીને નથી. 2006માં સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને જ ફાઈલ નોટિંગ્સ જાહેર કરવાનો પ્રથમ આદેશ આપ્યો હતો, એમ જણાવતાં ગાંધીએ પત્રમાં ફડણવીસને જણાવ્યું છે કે પારદર્શકતાના તમે હિમાયતી છો ત્યારે વિરુદ્ધ દિશામાં જવા પગલાં લેવા તમને સલાહ આપવામાં આવી રહી છે એ કમનસીબ વાત છે. તમે ઇન્ફોર્મેશન કમિશનરો પણ નિમ્યા નથી. આનાથી આરટીઆઈનો કોઈ વજૂદ રહેશે નહીં. ત્રણ ઇન્ફોર્મેશન કમિશનરો નહીં નીમવા માટે પણ તમે કોઈ કારણ આપ્યું નથી.
મને આશા છે કે તમે નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા તમારી બંધારણીય ફરજ બજાવશો, એમ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું.
 
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer