લસણ શાકભાજી છે કે મસાલો ? હાઈ કોર્ટે પૂછ્યો પ્રશ્ન

લસણ શાકભાજી છે કે મસાલો ? હાઈ કોર્ટે પૂછ્યો પ્રશ્ન
જયપુર, તા. 6 : જીએસટીને લઈને હજી પણ લોકોમાં ઘણી જ મૂંઝવણો જોવા મળી રહી છે. તેવામાં રાજસ્થાન હાઈકોર્ટે રાજ્ય સરકારને પ્રશ્ન પૂછ્યો છે કે, લસણને શાકભાજી ગણવામાં આવે છે કે મસાલો ? સરકારને આ સવાલ રાજસ્થાન હાઈકોર્ટમાં દાખલ થયેલી જનહિતની અરજીમાં પૂછવામાં આવ્યો છે. આ મામલે એક અઠવાડિયામાં સરકારને પોતાનો જવાબ રજૂ કરવા માટે હાઈકોર્ટે કહ્યું છે. 
જોધપુરના ભદવાસિયા લસણ, ડુંગળી અને બટેટા વિક્રેતા સંઘે અરજી દાખલ કરી હતી અને લસણને શાકભાજી ગણવું કે મસાલો તે અંગે મૂંઝવણ વ્યક્ત કરી હતી. આ મામલે હાઈકોર્ટે સરકારને પૂછેલા પ્રશ્ન પાછળનો તર્ક છે કે, જો લસણ શાકભાજી હોય તો તેને શાકભાજીની બજારમાં વેંચવામાં આવે અને મસાલો હોય તો પછી મસાલાની બજારમાં લસણનું વેચાણ થવું જોઈએ. શાકભાજીની બજારમાં લસણ વેંચવા ઉપર કર નથી લાગતો જ્યારે મસાલાની બજારમાં લસણનું વેચાણ કરવામાં આવે તો તેના ઉપર કર લાદવામાં આવે છે. આ ઉપરાંત અનાજ માર્કેટમાં લસણના વેચાણ માટે 2 ટકા કમિશન થાય છે અને શાકભાજી બજારમાં કમિશન 6 ટકા મળે છે. આ પરિસ્થિતિમાં સરકારને લસણ શાકભાજી કે પછી મસાલો તે ગૂંચવણ દૂર કરવા આદેશ કરવામાં આવ્યો છે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer