ફરી એક વખત ગુજરાતમાં લહેરાશે ભગવો : ઓપિનિયન પોલનું અનુમાન

ફરી એક વખત ગુજરાતમાં લહેરાશે ભગવો : ઓપિનિયન પોલનું અનુમાન
ભાજપને 49.90 ટકા મત મળવાનો અંદાજ : કૉંગ્રેસના ભાગે 41.23, અપક્ષને 8.87 ટકા વોટ મળશે
નવી દિલ્હી, તા. 6 : મોદી લહેર અને રાહુલ ગાંધીની શાખ વચ્ચે લડાઈ રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઉપર દેશભરની નજર છે. બન્ને પક્ષો ગુજરાતની ધૂરા સંભાળવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે અને ચારેતરફ ચૂંટણીની જ ચર્ચા ચાલી રહી છે. ત્યારે સમય ન્યૂઝ નેટવર્કે સીએનએક્સ મીડિયાના સહયોગથી કરેલા સર્વે પ્રમાણે ગુજરાતમાં ફરીથી ભગવો લહેરાય તેવા સંકેતો મળી રહ્યા છે. ઓપિનિયન પોલમાં ચૂંટણીની હવા ભાજપ તરફ ચાલી રહી હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. સર્વે પ્રમાણે ભાજપને ચૂંટણીમાં 49.90 ટકા મત મળવાનું અનુમાન છે. બીજી તરફ કોંગ્રેસને 41.23 ટકા વોટ મળશે અને અપક્ષના ખાતામાં 8.87 ટકા મત જવાના સંકેતો મળી રહ્યા છે.
ઓપિનિયન પોલ પ્રમાણે જો બેઠકોની વાત કરીયે તો 2012 વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં ભાજપને 10 બેઠકોના ફાયદા સાથે 128 બેઠકો મળશે. જ્યારે કોંગ્રેસને નવ બેઠકના નુકશાન સાથે 52 સીટ મળવાનો અંદાજ છે. મોદી વડાપ્રધાન બનતા આનંદીબેન પટેલને ગુજરાતની કમાન સોંપવામાં આવી હતી અને હવે રૂપાણી મુખ્યમંત્રી છે. જો કે કદનો તફાવત સર્વેમાં જોવા મળ્યો હતો. માત્ર 9 ટકા લોકો માને છે કે, રૂપાણી મુખ્યમંત્રી તરીકે સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. આનંદીબેનનને 8 ટકા લોકો મુખ્યમંત્રી પદને યોગ્ય માને છે. આ ઉપરાંત સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, ચૂંટણીના પરિણામો બાદ 30.75 ટકા લોકો વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી તરીકે જોવા માગે છે જ્યારે 20.61 ટકા લોકો ઈચ્છે છે કે, ભરતસીંહ સોલંકી મુખ્યમંત્રી બને. સર્વેમાં વડાપ્રધાન મોદી સૌથી સારા મુખ્યમંત્રી હોવાનો મત 70 ટકા લોકોએ આપ્યો છે. આ ઉપરાંત વડાપ્રધાન તરીકે મોદીના કામકાજથી 50 ટકા લોકો ખુશ છે જ્યારે 25 ટકા લોકોને મોદીના કામથી સંતોષ નથી. સમય ન્યૂઝ નેટવર્ક અને સીએનએક્સના ઓપિનિયન પોલથી સંકેતો મળી રહ્યા છે કે, ચૂંટણીની હવા ભાજપ તરફી ફુંકાઈ રહી છે. જો કે એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે, ભાજપનું 150 પ્લસના લક્ષ્યાંક સફળ થતું હોય તેવી સ્થિતી નથી.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer