`દીકરીને બંદૂકે દેજો પણ ધંધૂકે ન દેજો'' વાળી કહેવત ભાજપે બદલી નાખી : મોદી

`દીકરીને બંદૂકે દેજો પણ ધંધૂકે ન દેજો'' વાળી કહેવત ભાજપે બદલી નાખી : મોદી
અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા.6: વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે ચિક્કાર મેદનીને સંબોધન કરતાં અમદાવાદ જિલ્લાના ધંધૂકા ખાતે જણાવ્યું હતું કે, એક સમયે જૂની કહેવત ચાલતી હતી કે `દીકરીને બંદૂકે દેજો પણ ધંધૂકે ન દેજો'એ કહેવત આજે ભુલાઇ ગઇ છે. આજે ધંધૂકામાં ઘરે ઘરે પાણીના નળ છે, જેમાં પાણી આવે છે. પહેલાં ધંધૂકામાં પાણી માટે વલખાં મારવાં પડતાં હતાં. દીકરીઓને દૂરદૂરથી પાણી ભરવું પડતું.

તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકાર આવી તે પછી અહીં ચેકડેમ બનાવ્યા, જેના કારણે પાણીના સ્તર ચાર્જ થયા અને કૂવા ઊભરાવા માંડયા. અમારો ભાજપ સરકારનો મક્કમ નિર્ધાર હતો કે અમારે કામ કરવું છે. જો રાજકીય વાત કરવી હોત તો અમે કહી શકતા હતા કે ટૅન્કર દ્વારા પાણી આપીશું અને ચૂંટણી જીતવા માટે તે કહી શકતા હતા, પણ એમ નહીં, અમારે ધંધૂકાની પાણીની સમસ્યા કાયમ માટે દૂર કરવી જ હતી.

અને પાણી પહોંચતાં જ ટેન્કર ગાયબ થઇ ગયાં, ભ્રષ્ટાચાર ગાયબ થઇ ગયો. ટેન્કરનો કોન્ટ્રાક્ટ આપવાનો હોય ત્યારે કૉંગ્રેસના મળતીયાઓનાં જ ટેન્ડર ખૂલે. આ બધું ગયું એટલે તેઓ કહે છે આમને કાઢો. આજની નવી પેઢીને કર્ફ્યુ એટલે શું તે જ ખબર નથી.

તેમણે કહ્યું કે ધંધૂકાની બીજી એક કહેવત હતી કે ``વીજળી લંગડી છે, પાવર લંગડો છે''.  ટ્રાન્સફોર્મર બગડી જાય, ટીવી બગડી જાય,રેફ્રિજરેટર બગડી જાય,એ શબ્દ હવે ભૂતકાળ બની ગયો છે. ભાજપ સરકાર આવી એટલે દોઢ લાખની જગ્યાએ 12લાખ ટ્રાનસફોર્મરો નવા નાંખી દીધા. હું જ્યારે ગુજરાત આવ્યો અને મુખ્ય પ્રધાન બન્યો નહોતો ત્યારે મને લોકો મળવા આવત. સાહેબ તમે આવી ગયા, બહું સારું થયું અને હવે એક કામ પહેલું કરજો, સાંજે વાળુ કરીએ ત્યારે લાઇટ થાય તેવું કરજો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer