સસ્તા વ્યાજદર માટે જોવી પડશે રાહ : આરબીઆઈએ રેપો રેટ યથાવત રાખ્યો

સસ્તા વ્યાજદર માટે જોવી  પડશે રાહ : આરબીઆઈએ રેપો રેટ યથાવત  રાખ્યો
2018માં જીડીપી 6.7 ટકા રહેવાનો નાણાકીય સમિતિનો અંદાજ

નવી દિલ્હી, તા. 6 : રિઝર્વ બેન્કની નાણાકીય સમિતિની બેઠક આજે પૂર્ણ થઈ છે. આ બેઠકમાં સમિતિએ વ્યાજદર ઘટાડવાનો નિર્ણય ન કરતા લોકો નિરાશ થયા છે. આરબીઆઈએ સમીક્ષા દરમિયાન ક્રૂડ અને શાકભાજીની વધતી કિંમતને ધ્યાને રાખીને આગામી બે છમાસીક ગાળા માટે ફુગાવાનો અંદાજ 4.2 અને 4.6 ટકાના દરેથી વધારીને 4.3 અને 4.ટ ટકા કર્યો છે. આ ઉપરાંત ઔદ્યોગીક ઉત્પાદનમાં વધારાને ધ્યાને લઈને પાંચ ત્રિમાસીક ગાળા બાદ પહેલી વખત અંદાજીત વિકાસ દર પણ સુધારીને 2018માં 6.7 ટકાએ રહેશે તેવું કહ્યું છે. બીજી તરફ નાણાકીય સમિતિના નિર્ણયોની શેરબજાર ઉપર નકારાત્મક અસર જોવા મળતા બેન્ક નિફ્ટીમાં 200 પોઈન્ટથી વધું અને સેંસેક્સમાં 196 પોઈન્ટનું ગાબડું પડયું છે.

નાણાકીય સમિતિએ સમિક્ષામાં મુખ્ય નીતિગત દર રેપો રેટને 6 ટકાએ યથાવત રાખ્યો છે. આ ઉપરાંત રિવર્સ રેપો રેટને 5.75 ટકા અને સીઆરઆર 4 ટકા અને એસએલઆર 19.5 ટકાએ કાયમ રાખ્યો છે. રિઝર્વ બેન્ક તરફથી જારી કરવામાં આવેલા નાણકીય સમિતિના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,  મોંઘવારી 4 ટકા આસપાસ રાખવા અને વિકાસ માટે સકારાત્મક માહોલ બનાવવાને ધ્યારે રાખીને નીતિગત દરોમાં ફેરફાર ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.અગાઉ ઓગષ્ટ મહિનામાં થયેલી સમીક્ષામાં રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાના કાપનું એલાન કર્યું હતું. ત્યારબાદ 4 ઓક્ટોબરની નીતિગત સમીક્ષામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નહોતા. 

પત્રકાર પરિષદમાં આરબીઆઈ ગર્વનર ઉર્જીત પટેલે કહ્યું હતું કે, જીએસટી દરમાં ફેરફાર,  ઈંઘણ ઉપર ડયુટીમાં કાપ સહિતના નાણાકીય નિર્ણયોની અસર નાણાકીય વર્ષ ઉપર જોવા મળશે. આ ઉપરાંત ઉર્જીત પટેલે કહ્યું હતું કે, સરકાર અને આરબીઆઈ મળીને જાહેર ક્ષેત્રની બેન્કો માટે 2.11 લાખ કરોડના બોન્ડનું પુન:મુડીકરણ કરવા માટે કામ કરી રહી છે. પટેલે ઉમેર્યું હતું કે, નજીકના ભવિષ્યમાં રિટેલ બજારમાં કિંમત ઘટવાના કોઈ આસાર નથી. વધુમાં આરબીઆઈએ એમ પણ કહ્યું હતું કે, છેલ્લા અમુક મહિનાથી ક્રેડીટ ગ્રોથમાં સુધારો જોવા મળી રહ્યો છે.આ પરિસ્થિતી વચ્ચે જાહેર ક્ષેત્રની બેન્કોમાં પુન: મુડીકરણની સકારાત્મક અસર જોવા મળશે. સમીક્ષા દરમિયાન ફુગાવાના દરને ધ્યાને રાખીને હાલ પુરતા રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈપણ ફેરફાર કરવામાં આવ્યો નથી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer