અમે અયોધ્યા વિવાદનો ઝડપી નિવેડો ઇચ્છીએ છીએ

અમે અયોધ્યા વિવાદનો ઝડપી નિવેડો ઇચ્છીએ છીએ


રામ મંદિર સમાધાન  સામે કૉંગ્રેસને વિરોધ છે ? : મોદીકપિલ સિબ્બલ સામે સુન્ની વકફ બોર્ડનો બળવોનવી દિલ્હી, તા. 6 (પીટીઆઈ) : સોમનાથ મંદિરમાં મુલાકાતીમાં રાહુલ ગાંધીનાં નામની બિનહિન્દુ તરીકે નોંધણી, કોંગ્રેસની અધ્યક્ષતા માટેની ચૂંટણી મુદ્દે જહાંગીર- શાહજહાં વખતે કોઈ ચૂંટણી ન થતી હોવાનું ઐયરનું વિધાન અને ત્યારબાદ બાબરી વિધ્વંસની વરસીનાં આગલા દિવસે જ રામ જન્મભૂમિ કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થવા સાથે જ સુન્ની વક્ફ બોર્ડનાં વકિલ અને કોંગ્રેસ નેતા કપિલ સિબલે 2019 સુધી કેસ ટાળવા કરેલી માગણીને પગલે ભાજપને વધુ એકવાર કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર ધારદાર હુમલા કરવાની તક આપી છે. જેને ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આબાદ ઝડપી લેતાં ગુજરાતની ચૂંટણી પૂર્વે રાહુલ ઉપર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો બોલાવી દીધો છે. વડાપ્રધાન મોદીએ સિબલને સીધો અને સણસણતો સવાલ કર્યો છે કે 2019ની ચૂંટણી અને અયોધ્યા વિવાદ એકમેક સાથે કેવી રીતે સંકળાયેલા છે તે સ્પષ્ટ કરો. મોદીએ સવાલ કર્યો કે શું કૉંગ્રેસ રામમંદિર મુદ્દે સમાધાન નથી ઈચ્છતી? બીજીબાજુ કોંગ્રેસને બેકફૂટ ઉપર અને સિબલને સાણસામાં લેતી સ્પષ્ટતા સુન્ની બોર્ડે કરી છે અને સિબલની માગણી સાથે અસહમતી દર્શાવતાં કહ્યું હતું કે તેઓ એક વકિલ હોવા સાથે રાજકીય પક્ષનાં નેતા પણ છે. સુન્ની બોર્ડ તો વહેલી તકે જ અયોધ્યા વિવાદનો નિવેડો આવે તેવું ઈચ્છે છે. સુન્ની બોર્ડના મોટા ભાગના સભ્યોએ બળવો કર્યો છે.

બીજી બાજુ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યું છે કે આ સમય અયોધ્યાના માલિકી કેસનો ખટલો ચલાવવા માટે યોગ્ય નથી. અમે ખટલાની સુનાવણી મોકુફ રખાય એની તરફેણ કરીએ છીએ.

સુન્ની વકફ બોર્ડના અધ્યક્ષ ઝાફર ફારુકીએ લખનઊમાં જણાવ્યું હતું કે બોર્ડ માને છે કે આ કેસની સુનાવણી થવી જોઈએ અને તેનો ચુકાદો વિનાવિલંબે આવવો જોઈએ. મુસ્લિમો વતીથી સર્વોચ્ચ અદાલતમાં દલીલ કરનારા ધારાશાસ્ત્રી સિબ્બલે કોના વતીથી આ વિનંતી કરી તેની મને ખબર નથી. બોર્ડ તરફથી તે મતલબની કોઈ સૂચના સિબ્બલને આપવામાં આવી નહોતી. આ કેસનો ચુકાદો જલદી આવે એમ અમે ઈચ્છીએ છીએ. એવું જણાય છે કે સિબ્બલ અયોધ્યા કેસમાં હાશીમ અંસારીના પુત્ર ઈકબાલ અંસારી વતીથી કોર્ટમાં હાજર રહ્યા હતા.

આ કેસના એક પક્ષકાર હાજી મહેબૂબે જણાવ્યું હતું કે અમે સિબ્બલના વલણ સાથે સંમત નથી અને આ કેસનો જલદી ચુકાદો આવે એમ ઈચ્છીએ છીએ. ભાજપ અને કૉંગ્રેસ બન્ને રાજકારણ રમી રહ્યા છે. હું ઈચ્છું છું કે આ પ્રકરણનો ચુકાદો જલદી આવે. હું કૉંગ્રેસ કે ભાજપના રાજકારણથી દૂર છું.© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer